(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૫
વડોદરા શહેરમાં ગંદકી અને યોગ્ય સફાઇના અભાવે રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે તેવા સમયે સયાજી હોસ્પીટલમાં પાંચ-સાત વર્ષ બાદ લેપ્ટોસ્પાઇરોસિસનો કેસ સામે આવતા હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટે આજે સવારે હોસ્પીટલના ઉચ્ચ તબીબ અધિકારીઓની તત્કાલ એક બેઠક બોલાવી હતી. જેમાં ઉપસ્થિત તબીબ અધિકારીઓને રોગચાળો ફેલાઇ રહેલી સ્થિતિને અનુલક્ષી સાવચેતીના પગલા તેમજ દર્દીની સારવાર માટે જરૂરી મેડીસીન તથા તેના અટકાયતી પગલા લેવા માટેની ચર્ચા-વિચારણા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પીટલમાં કોંગો ફીવરની દહેશત વચ્ચે ગઇકાલે હોસ્પીટલમાં દાખલ શહેરની એક મહિલા દર્દીને લેપ્ટોસ્પાઇરોસિરનો કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું અને કોંગો ફીવરની સાથે લેપ્ટોસ્પાઇરોસિસ નામનાં રોગે પગ પેસારો કરી માથુ ઉંચી રહ્યો છે. આ રોગ સામાન્ય રીતે પ્રાણીઓનાં મળ મુત્રમાંથી ફેલાતો હોવાથી પ્રાણીઓનાં મળમુત્ર પાણીમાં ભળતા તે માનવીના શરીરમાં પ્રવેશે છે.સયાજી હોસ્પીટલમાં લેપ્ટોસ્પાઇરોસિસનો કેસ સામે આવતા લેપ્ટોસ્પાઇરોસિસ તેમજ કોંગો ફીવર રોગના દર્દીઓની સારવાર માટે સાવચેતી તેમજ અગમચેતીના ભાગરૂપે આજે હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટે તબીબ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.