(એજન્સી) બૈરૂત , તા.૧૦
ગત મહિને થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ગુરૂવારે બૈરૂત બંદર ખાતે ભીષણ આગ ફાટ ી નીકળતા પહેલાથી જ ભયભીત લોકોમાં વધુ ભય પ્રસરી ગયો હતો. ગત મહિને થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા અને હજારો લોકોને ઈજા પહોંચી હતી.
ગુરૂવારે બૈરૂત બંદર ખાતે આગ ફાટી નીકળી હતી. જેના પગલે લોકો ભયભીત થયા હતા. આગ પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયુ નથી. બૈરૂતમાં ગત ચોથી ઓગસ્ટના રોજ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ૩૦૦૦ ટન એમોનિયમ નાઈટ્રેટમાં વિસ્ફોટ બાદ મોટી તબાહી થઈ હતી. માઈલો સુધી ઈમારતોના બારી અને બારણાં ધ્રુજી ઉઠયા હતા. ગુરૂવારે બપોરે બંદરે લાગેલી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. લેબનોનની સેનાના જણાવ્યા મુજબ તેલ અને ટાયરના વેરહાઉસ ખાતે આગ ફાટી નીકળી હતી. આગને કાબૂ કરવા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેનાના હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી. બૈરૂતના લોકો ગત મહિને થયેલા વિસ્ફોટના ભયમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત ભીષણ આગની ઘટના બનતા લોકો ફફડી ઉઠયા હતા. સ્થાનિક ટીવીના જણાવ્યા મુજબ બંદર નજીક ઓફિસો હોવાથી કર્મચારીને સલામત રીતે ખસી જવા જણાવાયું હતું. લેબનોનની સેનાએ આગના કારણે બંદરને જોડતા રસ્તાઓ બંધ કરી દીધા હતા. ટ્રાફિક અન્ય દિશામાં વાળવામાં આવ્યો હતો. ચાર ઓગસ્ટે થયેલા ધડાકામાં લગભગ ૧૯૦ લોકોના મોત થયા હતા. અને ૬૫૦૦ લોકોને ઈજા થઈ હતી. સાથે હજારો ઈમારતોને નુકશાન થયું હતું. હવે ફરી એક વખત આગ લાગતાં ભયનો માહોલ ફેલાયો હતો. સરકારી સમાચાર ચેનલના જણાવ્યા મુજબ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટનાનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં લોકો જાન બચાવવા દોડી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.