(એજન્સી) રોઈટર, તા.૧૧
લેબેનોનની સૌથી મોટી રાજકીય ક્રિશ્ચિયન પાર્ટીએ જાહેરાત કરી છે કે તેઓ નિયુક્ત કરાયેલ વડાપ્રધાન સાદ અલ- હરીરીની આગેવાની હેઠળની નવી સરકારની કેબિનેટમાં જોડાશે નહિ. પાર્ટીની આ જાહેરાતથી દેશને રાજકીય અને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં એક વધુ અવરોધ ઊભું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બૈરુતમાં થયેલ ભયંકર વિસ્ફોટો પછી સરકારના વહીવટ બાબતે લેબેનોન રાજકીય કટોકટીમાં સપડાયું છે. રાજકીય કટોકટી સાથે આર્થિક કટોકટી પણ વધુ ઘેરી બની છે. વરિષ્ઠ સુન્ની રાજકારણી હરીરીની ચોથી વખત વડાપ્રધાન માટે પસંદગી કરાઈ હતી. એમણે વચન આપ્યું હતું કે તેઓ નવી સરકારમાં નિષ્ણાંતોની નિમણુંકો કરશે જેઓ દેશની આર્થિક કટોકટી ઉકેલવા સુધારાઓ કરશે. પણ સૌથી મોટી ક્રિશ્ચિયન પાર્ટીના નેતા અને રાષ્ટ્રપતિ માઈકલ અઔનના જમાઈ ગેબ્રાન બસ્સીલે એક ટી.વી. મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે નહિ જોડાય. કારણ કે હરીરી જ બધા મંત્રીઓની પસંદગી કરી રહ્યા છે. અમને ફક્ત હરીરી પર વિશ્વાસ નથી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અમેરિકાએ ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે સંબંધો હોવાના લીધે બસ્સીલ ઉપર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા. બસ્સીલે કહ્યું કે હરીરી સરકાર રચવા માટે ગંભીર જણાતા નથી. તેઓ દર વખતે રાષ્ટ્રપતિને મળવા જાય છે અને રાષ્ટ્રપતિ નવી જ વાતો કરે છે. તેઓ સરકારની રચના કરવા ઈચ્છે છે અથવા સમય વેડફી રહ્યા છે. લેબેનોન આર્થિક અને નાણાકીય કટોકટીમાં ધકેલાયું છે. જે સ્થિતિ ૧૯૭૫-૧૯૯૦ના ગૃહયુદ્ધ કરતા પણ વધુ ખરાબ છે. જેના લીધે ચલણનું મૂલ્ય સાવ ઘટી ગયું છે, ગરીબી વધી ગઈ છે અને સ્વાયત્તતા પણ નાદારીના આરે પહોંચી છે.