(એજન્સી) રોઈટર,તા.૯
વગ ધરાવનાર ક્રિશ્ચિયન રાજકીય નેતા ગેબ્રાન બસ્સીલે કહ્યું છે કે અમારી સામે મુકાયેલ અમેરિકાના પ્રતિબંધો અન્યાયી અને રાજકીય પ્રેરિત છે જે અમારા હિઝબુલ્લાહ સાથે સંબંધો તોડવાના ઇન્કારનું પરિણામ છે. રોઈટરે આ માહિતી આપી હતી. અમેરિકાએ શુક્રવારે લેબેનોનના સૌથી મોટા ક્રિશ્ચિયન રાજકીય નેતા અને રાષ્ટ્રપતિ માઈકલ અઔનના જમાઈ ગેબ્રાન બસ્સીલને એમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી અને ઈરાન સમર્થિત શિયા હિઝબુલ્લાહ સંગઠન સાથે સંબંધ હોવાના લીધે બ્લેક લિસ્ટ કર્યું હતું, હિઝબુલ્લાહને અમેરિકા ત્રાસવાદી સંગઠન માને છે. બસ્સીલે અમેરિકા દ્વારા મુકાયેલ ભ્રષ્ટાચારના આક્ષેપો નકારી કાઢ્યા હતા અને કહ્યું કે, અમેરિકાના અધિકારીઓએ વાતચીત દરમિયાન જણાવ્યું ન હતું કે અમારે હિઝબુલ્લાહ સાથે સંબંધો તોડવા પડશે અન્યથા અમને પ્રતિબંધોનો સામનો કરવો પડશે. એમણે કહ્યું આ પ્રતિબંધો અન્યાયી છે અને હું પ્રતિબંધો બદલ એમની સામે વળતરનો દાવો માંડીશ. પ્રતિબંધો આવશે અને જશે પણ દેશની સુરક્ષા અને એકતા સામે સમાધાન કરવો ફોજદારી ગુનો છે. બસ્સીલ રાષ્ટ્રપતિ હોદ્દાના મહત્વાકાંક્ષી છે, તેઓ ફ્રી પેટ્રીઓટિક મુવમેન્ટ પક્ષના વડા છે જેની સ્થાપના અઔને કરી હતી. તેઓ સૂચના પ્રસારણ, ઊર્જા, પાણી અને વિદેશ મંત્રાલયના મંત્રી હતા. અમેરિકાએ બસ્સીલને લેબેનોનમાં ભ્રષ્ટાચાર આચરવાના અગ્રણી હોવાનું જણાવ્યું હતું. એમની ઉપર વૈશ્વિક મેગ્નીસ્ત્સકી હ્યુમન રાઈટ્‌સ એકાઉન્ટીબિલિટી એક્ટ હેઠળ પ્રતિબંધો મૂક્યા છે, આ કાયદો વિશ્વભરમાં માનવ અધિકારોના ભંગ અને ભ્રષ્ટાચાર માટે લાગુ કરવામાં આવે છે. અમેરિકાના અધિકારીએ કહ્યું કે, બસ્સીલનું હિઝબુલ્લાહને તસુ પણ સમર્થન પ્રતિબંધો માટે પુરતું કારણ છે. એફ.પી.એમ.ને હિઝબુલ્લાહ સાથે રાજકીય સંબંધ છે જે લેબેનોનમાં ખૂબ જ વગ ધરાવતું રાજકીય બળ છે. બસ્સીલના કહેવા મુજબ આ ગ્રુપ લેબેનોનના રક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એમણે પુનરુચ્ચાર કર્યો કે હું લેબેનોનની પીઠ પાછળ છરો ભોંકીશ નહિ. એમણે કહ્યું કે પ્રતિબંધો નવી સરકાર રચવાના પ્રયાસને અટકાવી શકશે નહિ જે દેશના અર્થતંત્રને સુધારવા પ્રયાસો કરી રહી છે.