(એજન્સી) તા.૧૯
લેબેનોનમાં કોવિડ-૧૯ના કેસોમાં જબરદસ્ત વધારો થતાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઇ રહી છે. હોસ્પિટલમાં અત્યારે ક્યાંય ખાલી જગ્યા નથી. કોવિડ-૧૯ના એક દર્દીની પુત્રી એલીસાએ જણાવ્યું હતું કે તેને પોતાના પિતાને દાખલ કરવા માટે લેબેનોનના પાટનગર બૈરુતમાં હોસ્પિટલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. એલીસા સ્વયં ડિસે.માં કોરોના પોઝિટીવ થઇ હતી. જ્યારે તેના પિતાની સ્થિતિ વધુ ગંભીર છે. ખૂબ જ તાવ અને ફેફસામાં ઇન્ફેક્શન વધી જતાં તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે પરંતુ હોસ્પિટલમાં ક્યાંય જગ્યા નથી. આખરે તેમને એક હોસ્પિટલમાં જગ્યા મળી પરંતુ ડોક્ટરોએ તેના પિતાને એક કલાક સુધી ઓક્સિજન પર રાખીને હોસ્પિટલમાંથી જતાં રહેવા કહ્યું કારણ કે બીજા કેટલાય દર્દીઓ હોસ્પિટલ બેડ માટે પ્રતિક્ષા કરી રહ્યા ંહતાં. આખરે તેના ઘરને હોસ્પિટલ બનાવવી પડી અને આ માટે ૩૫ લીટરની ઓક્સિજનની ટેંક બાજુમાં રાખીને સારવાર શરૂ કરવી પડી. લેબેનોનમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં ૨૩૨૦૦૦ કેસો નોંધાયાં છે. દર્દીઓની સંખ્યા વધી જતાં ઓક્સિજન ટેંક અને કોન્સન્ટ્રેટરની માંગ જબદસ્ત વધી રહી છે. લેબેનોનની મેડિકલ ઇક્વિપમેન્ટ ઇમ્પોટ્‌ર્સ સિન્ડિકેટે ઓક્સિજનના સપ્લાયરની યાદી ઓનલાઇન શેર કરી છે તેના કારણે ઓક્સિજન મશીનનું વેચાણ જબરદસ્ત વધી ગયું છે. સિન્ડિકેટના પ્રમુખ સલમા અસીએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યત્વે હોસ્પિટલ અને ક્લિનિક્સમાં જ વેચાણ કરે છે પરંતુ હાલના સંજોગોમાં ઘરે પણ ઓક્સિજનની ડિમાન્ડ વધી ગઇ છે. ૭૦ ટકા લોકો ઘરે સ્ટેન્ડબાય રાખવા માટે ઓક્સિજન અને તેના મશીન ખરીદે છે. આથી ખરેખર જરુર હોય છે તેમને ઓક્સિજન મળતો નથી અને તેથી હવે આ રીતે ઘરે સ્ટેન્ડબાય રાખવા માટે ખરીદવામાં આવેલ મશીનો તેઓ પાછા લઇ રહ્યાં છે. ઓક્સિજન મશીન ૭૦૦ ડોલરથી ૧૪૦૦ ડોલર્સની વચ્ચેની રેંજમાં વેચાઇ રહ્યાં છે. સ્થાનિક કરન્સીના અવમૂલ્યનને કારણે આ મશીન ખૂબ જ મોંઘા છે પરંતુ બીજો કોઇ વિકલ્પ નથી. એલીસા કહે છે કે ૩૨ વર્ષમાં હું ક્યારેય આટલી ભયભીત થઇ નથી. કોવિડગ્રસ્ત લેબેનોનમાં અત્યારે ઓક્સિજનની ભારે અછત ઊભી થઇ છે. એલીસાને શરુઆતમાં પોતાના પિતા માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળ્યું ન હતું પરંતુ અનેક જગ્યાએ ફોન કર્યા બાદ તે ૩૫ લીટર ઓક્સિજનની ટેંક જેની કિંમત ૨૭ ડોલર હોય છે તે તેને ૫૦૦ ડોલરમાં ખરીદવી પડી હતી. સત્તાવાર સપ્લાયરો પાસેથી ઓક્સિજનનો સ્ટોક ખલાસ થઇ રહ્યો હોવાથી ઓક્સિજનના કોન્સન્ટ્રેટર અને ટેંક ૨૦૦૦ ડોલર સુધીના ભાવે અવિધિસર રીતે ઓનલાઇન વેચાઇ રહ્યાં છે.