(એજન્સી) તા.૧૮
લેબેનોનની રાજધાની બૈરુત પોર્ટમાં આ મહિને પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયાં હતાં અને હજારો ઘવાયાં હતા. આ પ્રચંડ બ્લાસ્ટ બાદ લેબેનોનમાં હવે કોરોના વાયરસના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતાં તબીબી અધિકારીઓએ કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે બે સપ્તાહનું લોકડાઉન જાહેર કરવા માગણી કરી છે.
૪, ઓગસ્ટના રોજ પોર્ટ પર સંગ્રહ કરવામાં આવેલ ૩૦૦૦ ટન એમોનિયમ નાઇટ્રેટનો વિસ્ફોટ થતાં ૧૮૦ લોકો માર્યા ગયાં હતાં, ૬૦૦૦થી વધુ ઘવાયાં હતાં અને ૭ લાખ લોકો ઘરવિહોણા થઇ ગયાં હતાં. બ્લાસ્ટને કારણે શહેરની હોસ્પિટલો ઊભરાઇ ગઇ હતી જેના પગલે કોરોના વાયરસની સારવાર પ્રભાવિત થઇ હતી. બ્લાસ્ટ બાદ લેબેનોનમાં કોરોનાના કેસોમાં જંગી વધારો થયો છે.
રવિવારે કોરોનાના નવા ૪૩૯ કેસ નોંધાયાં હતાં જેમાં ૬ લોકોના મોત થયાં હતાં. આ નવા કેસોના ઉમેરા સાથે માત્ર ૫૦ લાખની વસ્તી ધરાવતાં નાના દેશમાં ૮૮૮૧ કુલ કેસો સંક્રમણના સામે આવ્યાં છે. દરમિયાન પેલેસ્ટીન નિર્વાસિતોની યુએન એજન્સીએ જણાવ્યું હતું કે આ વિકએન્ડમાં ચાર પેલેસ્ટીનીઓના મોત થતાં અત્યાર સુધી પેલેસ્ટીન છાવણીમાં મૃતકોની સંખ્યા ૮ પર પહોંચી છે.
આરોગ્ય પ્રધાન હમાદ હસને ચેતવણી આપી છે કે કોરોનાનો સાચો આંકડો આનાથી પણ વધુ હોઇ શકે છે. વધુ બે સપ્તાહના લોકડાઉનની માગણી કરી રહેલ તબીબી અધિકારીઓ સાથે બેઠકના પગલે આરોગ્ય પ્રધાન હસને દરેકને માસ્ક પહેરવાનો અનુરોધ કરીને જણાવ્યું હતું કે કોરોના વાયરસ હવે લેબેનોનના દરેક શહેર અને દરેક ગામડા સુધી ફેલાઇ રહ્યો છે. અહીં હવે જીવન મરણનો પ્રશ્ન ઊભો થયો છે એવું જણાવીને હસને ઉમેર્યુ હતું કે ટૂંક સમયમાં હવે ખાનગી અને જાહેર બંને હોસ્પિટલો વધુ દર્દીઓને લઇ શકશે નહીં. ડોક્ટરોએ પણ બે સપ્તાહનું લોકડાઉન લાગુ કરવા સત્તાવાળાઓને અનુરોધ કર્યો છે.