(એજન્સી) તા. ૧૪
કોરોનાના કેસોમાં સતત વૃદ્ધિ થતા લોકડાઉનની સમય મર્યાદા વધારી ૩મે કરવામાં આવી છે. આ વચ્ચે મુંબઈના બાન્દ્રા રેલ્વે સ્ટેશન પર પ્રવાસી મજૂરોનું મોટું ટોળું જમા થયુ હતુ. આ બધા મજૂરો ઘર જવા માટે સ્ટેશન પર પહોંચી ગયા હતા. મજૂરોને આશા હતી કે, લોકડાઉન ખતમ થઈ જશે. તેમને હટાવવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો. મળતી માહિતી મુજબ, પોલીસની કાર્યવાહી પછી ટોળું હટી ગયુ છે. સ્થાનિક નેતાઓનું કહેવુ છે કે, લોકોને સમજાવવામાં આવી રહ્યુ છે કે, તેમને કોઈ પરેશાની નહીં થાય અને દરેક સંભવ મદદ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર આ મજૂરોના ભોજનની વ્યવસ્થા કરશે. અમે મજૂરોને સમજાવી રહ્યા છે કે, તેમની પરિસ્થિતિઓને સુધારવાના પ્રયાસ કરશે. આ સમગ્ર ઘટના પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્‌વીટ કર્યુ. તેમણે જણાવ્યુ કે, બાન્દ્રા સ્ટેશન પર વર્તમાન સ્થિતિ, મજૂરોને હટાવી દેવામાં આવ્યો. તેમણે જણાવ્યુ કે, સુરતમાં તાજેતરમાં કેટલાક મજૂરોએ હંગામો કર્યો હતો. કેન્દ્ર સરકાર તેમને ઘરે પહોંચાડવાને લઈને નિર્ણય નથી લઈ શકી.
આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે. પ્રવાસી મજૂર ભોજન અને શેલ્ટર નથી ઇચ્છતા, તેઓ પોતાના ઘરે પરત જવા માંગે છે. મજૂરોને લાગ્યુ કે, લોકડાઉન ખતમ થઈ ગયો છે અને તેમને પોતાના ઘરે જવા માટે ત્યાંથી પેસેન્જર ટ્રેન મળી જશે. મોટી સંખ્યામાં ટોળા જોઈને પોલીસ પણ હૈરાન થઈ ગઈ. લોકોને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવું પડ્યુ. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આ સંકટ બદલ ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેમણે કહ્યું કે, આ મામલે આઠ વાગ્યે રાજ્યને સીએમ ઉદ્વવ ઠાકરે સંબોધિત કરશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. ત્યાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યોમાં દર્દીઓની સંખ્યા ૨૩૦૦થી વધુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેર મુંબઈ છે. ત્યાં કોરોનાના ૧૭૦૦થી વધુ સંક્રમિત છે.
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર બાન્દ્રા વેસ્ટમાં ૧૦૦૦થી વધુ લોકો એકઠાં થઈ ગયા હતા. આ લોકો બસ ડેપો નજીક એકઠાં થયા હતા. તે રેલવે સ્ટેશનની નજીકમાં જ છે. આ ઘટના ૩ વાગ્યાની આજુબાજુ બની હતી. આ લોકો નજીકમાં પટેલ નાગોરી વસ્તીમાં રહેતા હતા અને તેઓ હવે પોતાના વતન-ઘરે પાછા જવા ટ્રાન્સપોર્ટ ફેસિલિટી કરી આપવાની માગ કરી રહ્યાં છે. આ લોકોમાં મોટાભાગના પશ્ચિમ બંગાળ અને યુપીના છે. એક મજૂરે પોતાનું નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે, એનજીઓ તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમ છતાં અમે કોઈને તકલીફ આપવા માગતા નથી અને અમે અમારા વતન જવા માગીએ છીએ. આ લૉકડાઉનને કારણે અમારા જીવન પર માઠી અસર થઈ છે. અમને હવે ભોજનની નહીં પણ ઘરે પહોંચવાની જરૂર છે. અસદુલ્લાહ શેખ નામની વ્યક્તિએ કહ્યું કે, હું પશ્ચિમ બંગાળના માલદામાં રહું છું. અમે અહીં લૉકડાઉન ૧નો સંપૂર્ણ સમય પસાર કરી લીધો. હવે ખાવા માટે અમારી પાસે કંઈ જ નથી. અમે અમારા વતન પાછા જવા માગીએ છીએ. સરકાર અમારા માટે કોઈ વ્યવસ્થા કરે.