(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કોરોના વાયરસના કેસો સાથે જોડવામાં આવેલા દિલ્હીના નિઝામુદ્દીન મરકઝે દિલ્હી પોલીસને જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે મરકઝના પરિસરોને ખાલી કરવાના તેના પ્રયાસો અધવચ્ચે અટકી ગયા હતા. મરકઝ ખાતે યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને રાજ્ય સરકારો દ્વારા ઓળખી પાડવા કે અલગ તારવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા છે લોકોનાં તેલંગાણામાં મોત થયા છે. સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યક્રમનું નેતૃત્વ કરનાર મૌલાના સામે એફઆઇઆર નોંધવાનો દિલ્હી સરકારે આદેશ આપ્યો છે. દિલ્હીના આરોગ્ય પ્રધાને જણાવ્યું કે મરકઝ ખાતેના ૨૪ જેટલા લોકોના કોરોના વાયરસ માટેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. મરકઝે એવું પણ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૨મી માર્ચના જનતા કરફ્યુનું મરકઝ દ્વારા સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું અને જનતા કરફ્યુના બીજા દિવસે મરકઝના મોટાભાગના પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું પરંતુ ૨૪મી માર્ચે વડાપ્રધાન મોદીએ મધ્યરાત્રિથી દેશવ્યાપી લોકડઉનની જાહેરાત કરી ત્યારે મરકઝ સંપૂર્ણપણે ખાલી કરવાના પ્રયાસો અધવચ્ચે અટકી ગયા હતા.