અમરેલી, તા.૨૮
આગામી સમયમાં રાજ્યમાંને દેશમાં ઊભી થનાર બેરોજગારીની અત્યંત ગંભીર સમસ્યા અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરતા ધારાસભ્ય વિરજી ઠુંમરે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં લગભગ દર ચોથી વ્યક્તિ બેરોજગારીનો સામનો કરી રહી છે.
જેમાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર ૨૪.૧ ટકા હતો તે રોકેટ ગતિએ વધીને આજે ૨૪.૩૪ ટકાના સ્તરે પહોંચી ગયો છે.
મોદી સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને લોકડાઉન જાહેર કર્યું. પરંતુ લોકડાઉનના કારણે દેશમાં રોજગારીનું ગંભીર સંકટ ઊભુ થયું છે, દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે.
શહેરોમાંથી ગામડાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મજૂરોનું પલાયન થવાથી શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટવા છતાં રાષ્ટ્રીય કક્ષાએ બેરોજગારીના દરમાં સતત વધારો થઈ રહ્યો છે તે અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે.