અમદાવાદ,તા.૧૬
કોરોનાની મહામારીને લીધે લોકડાઉન જાહેર કરાતા ઘણા વેપારીઓ વેરા સમાધાન યોજનાનો પ્રથમ હપ્તોભરી શકયા નથી અને મોટા ભાગના વેપારીઓ એપ્રીલ અને મે મહિનામાં ભરવાનો હપ્તો પણ ભરી શકયા નથી. એટલે રાજય સરકાર દ્વારા વેપારીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ શકે તેવા આશયે વેરા સમાધાન યોજનાની મુદ્દત ત્રણ મહિના સુધી લંબાવી દેવાઈ છે. રાજય સરકારના નાણાં વિભાગના તા.૬-૧ર-ર૦૧૯ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવી છે. આ ઠરાવથી વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પૂરેપૂરૂં મજરે આપવા અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા, હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સુવિધા આપવા અને સી ફોર્મ અંગે ચાલતી અપીલોમાં ખરાઈ ન થતા સી ફોર્મના ભરવાના હપ્તામાં પ૦ ટકા રાહત આપવા નિર્ણય કરવામાં આવ્યો છે જો કે સરકારની વેરા સમાધાન યોજનાને વેપારીવર્ગનો પ્રતિસાદ મળ્યો અને અંદાજે પ૧,૦૦૦ વસુલાતના કેસો માટે અંદાજિત ૩૭,૭૦૦ અરજીઓ વેરા સમાધાન યોજના હેઠળ મળી છે. કોવિડ-૧૯ મહામારીના કારણે સમગ્ર રાજયમાં ર૩ માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘણા વેપારીઓ પ્રથમ હપ્તો ભરી શકયા નથી અને મોટા ભાગના વેપારીઓ એપ્રિલ અને મે માસમાં ભરવાના થતા હપ્તા ભરી શકયા નથી. સમાધાન યોજનાને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છતાં લોકડાઉનના કારણે હપ્તાની રકમ ભરી ન શકવાથી વેપારી વર્ગ સમાધાન યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારે તા.૧૬-૬-ર૦ર૦ના ઠરાવથી સમાધાન યોજના લંબાવી યોજના અંતર્ગત પ્રથમ હપ્તો ભરવાની મુદ્દત તા.૧પ-૩-ર૦ર૦થી લંબાવી તા.૩૧-૭-ર૦ નિયત કરી છે. એટલે જે વેપારી વર્ગ પ્રથમ હપ્તો ભરી શકયો નથી. તેઓ તા.૩૧-૭-ર૦ સુધીમાં પ્રથમ હપ્તો ભરી યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે. તેમજ જે વેપારીઓએ પ્રથમ હપ્તો ભર્યો છે. પરંતુ બીજો હપ્તો ભરી શકયા નથી તેઓ પણ બીજો હપ્તો તા.૩૧-૭-ર૦ સુધીમાં ભરી શકે છે અને ત્યાર પછીના હપ્તા ઓગસ્ટ અને ત્યાર પછીના મહિનાઓમાં ભરવાના રહે છે. આમ વેપારીઓને સમાધાન યોજના હેઠળ હપ્તાની રકમ ભરવા ત્રણ માસ કરતા વધારે સમયની રાહત આપવામાં આવી છે. ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે.