અમદાવાદ, તા.૧૮
કોરોનાની મહામારીને લીધે હાલ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બેકારી, બેરોજગારી માથું ઉંચકી રહી છે ત્યારે આવા કપરા સમયે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શાકભાજી કે જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ કરતાં ફેરિયાઓ પાસે વેન્ડર કાર્ડને આગ્રહ રાખતા આવા ફેરિયાઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આથી મકતમપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર હાજી અસરારબેગ મિર્ઝાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી બિન નોંધાયેલા લારી અને નાના ફેરિયાઓને વેચાણની મંજૂરી આપવા તથા પોલીસ દ્વારા કરાતી હેરાનગતિથી બચાવવા વિનંતી કરી છે. મ્યુનિ. કાઉન્સિલર હાજીભાઈ મિર્ઝાએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં નાના વેપારી અને લારી ગલ્લાવાળાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. આવી પરિસ્થિતિ કે જેમાં લોકો ધંધા વિના બેરોજગાર થઈ ગયા છે તેમાં ઘણા એવા લોકો છે કે જેઓ પોતાનું ઘર ચલાવવા માટે શાકભાજી અને જીવન જરૂરી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવામાં આ ગરીબ લોકો નોંધણી વગર વેપાર કરી શકશે નહીં એવો પરિપત્ર આવેલ છે જે અન્યાયી છે. તમે જાણો જ છો કે આપણે ખૂબ જ બહોળી વસ્તી ધરાવતો વિસ્તાર ધરાવીએ છીએ જેથી દરેક લારી ગલ્લાવાળાઓ અને નાના વેપારીઓની હજુ સુધી નોંધણી થઈ શકી નથી. એવામાં લોકડાઉનની પરિસ્થિતિમાં નવી નોંધણી થઈ શકતી નથી અને લોકો લારી લગાવે છે તો પોલીસ તેમને પકડે છે, માર મારે છે અને તેઓની એવી કફોડી હાલત છે કે તેઓ જામીન પણ લાવી શકતા નથી અને પોલીસની મારના કારણે ખૂબ જ ડરી ગયા છે. આ પરિસ્થિતિને જોતાં તેમણે વિનંતી કરી છે કે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં લારી ગલ્લાવાળાઓ પાસે કોઈપણ પ્રકારનું નોંધણી કાર્ડ માંગવામાં ના આવે, જો પોલીસને કોઈપણ લારી ગલ્લાવાળા નોંધણી વગર માલૂમ પડે તો પણ તેઓને માર મારવાની પોલીસને સત્તા આપવામાં ના આવે અને લોકડાઉન પછી દરેક લારી ગલ્લાવાળાની નોંધણી કરવાની પ્રક્રિયા કરવામાં આવે તેવી ગરીબ પ્રજાની લાગણી અને માગણી છે.