ભાવનગર, તા.૧
કોરોના મહામારીને નાથવા અપાયેલા લોકડાઉન દરમ્યાન વહિવટી તંત્ર તથા પોલીસ તંત્ર નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહ્યા છે અને કોરોનાને હરાવવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરની એક પોલીસ ચોકીમાં કેક કાપીને બર્થ-ડે મનાવ્યો હોવાનું વીડિયો વાયરલ થતાં શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
કોરોનાને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો તંત્ર દ્વારા ખાસ આગ્રહ રાખવામાં આવેલ છે. આથી જ વેપારની છૂટ અપાયેલી દુકાનો, ઔદ્યોગિક એકમો સહિતને તકેદારી રાખવા સુચના આપવા ઉપરાંત ચેકિંગ પણ કરવામાં આવે છે અને નિયમોનો ભંગ કરનાર સામે ગુના દાખલ કરવામાં આવે છે. ડબલ સવારી સ્કૂટર લઇને નીકળેલા લોકોના વાહનો પણ ડિટેઇન કરવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરની એક પોલીસ ચોકીમાં જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી તે કેટલાક અંશે વ્યાજબી છે એવા સવાલો લોકોમાં ઊઠવા પામ્યા છે. ચોકીમાં ૧૦ જેટલા પોલીસ કર્મચારીઓ એકબીજાને કેક ખવડાવી બર્થ-ડે ઉજવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો પણ ભંગ થતો હોવાનું જણાઇ આવે છે ત્યારે બર્થ ડે ઉજવણીમાં વાયરલ થયેલા પોલીસનાં વિડીયોએ ભારે ચકચાર જગાવી છે.