અમદાવાદ, તા.૧૩
કોરોના મહામારીને કારણે આવી પડેલા લોકડાઉનથી છેલ્લા પોણા બે મહિના જેટલા સમયથી પ્રજા ત્રસ્ત છે. જ્યારે લોકડાઉન-૩ બાદ લોકડાઉન-૪ પણ આવવાની તૈયારી છે. આવા સમયમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં તંત્ર ઊણું ઉતર્યું હોય તેવું દેખાય છે. કેમ કે, ક્યાંક તો પોલીસ લોકડાઉનનો ભંગ કરનારને બેરહેમીથી દંડાવાળી કરી ઝૂડી નાંખે છે, તો ક્યાંક પોલીસની હાજરી હોવા છતાં લોકો બિન્દાસ્ત લોકડાઉનનો ભંગ કરતા જોવા મળ્યા છે. લોકડાઉનના ભંગનું આવું જ એક દૃશ્ય અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ સરદારબ્રિજની નીચે ટાગોર હોલથી રિવરફ્રન્ટ જવાના રસ્તા તરફ દેખાઈ આવે છે. જ્યાં છેલ્લા વીસેક દિવસથી કેટલાક પરિવારો મજબૂરીવશ રોડની બાજુમાં જ અસ્થાયી રૂપથી પડદા બાંધી રહેવા લાગ્યા છે. આ જગ્યા જ્યાં તેઓ રહે છે તેની એક તરફ ટાગોર હોલ પાસે એએમસીનો કંટ્રોલ રૂમ છે, તો બીજી તરફ પોલીસે પોઈન્ટ પણ છે. આ બધાની સામે જ લોકો લોકડાઉનનો ભંગ કરી બિન્દાસ્ત ફરે છે. જેમાં રથી ૧૦ વર્ષના બાળકો પણ છે. વળી આ લોકોને આજદિન સુધી અનેકવાર તંત્ર દ્વારા ફૂડ પેકેટ અપાયા છે. પણ બીજી કોઈ જાતની મદદ કરી નથી. આ લોકોને રોડ પર આવતા-જતાં લોકોની પાસેથી થોડી ઘણી મદદ મળી જાય છે, તો ક્યારેક સંસ્થાઓ મદદ કરે છે, તો આસપાસના વિસ્તારમાં જઈ ખાવાનું માંગી લાવે છે.
આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવા છતાં સ્થાનિકોની વાત કાને ધરાઈ નથી. ત્યારે શું આ બધું તંત્રના ધ્યાને નહીં આવ્યું હોય ? લોકડાઉન હોવા છતાં આટલા બધા લોકો અહિંયા ક્યાંથી આવ્યા ? એમણે ક્યારે કાચું રહેઠાણ કર્યું ? કરવું પડ્યું ? શું એમનું સ્ક્રીનિંગ થયું છે ? શું આ લોકો સંક્રમણ ન ફેલાવી શકે ? શું તંત્ર આંખ આડા કાન કરે છે ? જેવા અનેક સવાલો હાલ સ્થાનિકો તરફથી થઈ રહ્યા છે.
પાલડી નજીક સરદારબ્રિજની નીચે ટાગોર હોલથી રિવરફ્રન્ટ તરફ જવાના રોડ પાસે કેટલાક પરિવારો છેલ્લા ર૦ દિવસથી રોડ ઉપર જ પડદા બાંધી રહે છે. વળી રાત્રે પડદા ખોલી ત્યાં જ સૂઈ જાય છે. અંગ દઝાડતી કાળ-ઝાળ ગરમી અને કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં આ લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય દેખાઈ આવે છે. ખાવાના પણ ફાંફાં પડતાં હોય તેવું તેમની વાતો પરથી સ્પષ્ટ થાય છે. ત્યારે આ લોકોના કહ્યા મુજબ તેઓ પંમમહાલ તરફના છે. આ ૧પ૦ જેટલા લોકોમાં પ૦થી ૬૦ નાના બાળકો છે વળી આ લોકોને ક્યારેક રસ્તા પર આવતા-જતા લોકો તો ક્યારેક પોલીસ પણ મદદ કરતી હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે, આ વાત આસપાસના સ્થાનિકોના ધ્યાને આવતાં તેમણે આ લોકો અંગે પાલડી પોલીસને જાણ કરતાં પોલીસે આ અમારી હદમાં નથી તેમજ એલિસબ્રિજ પોલીસે પણ આ અમારી હદમાં નથી રિવરફ્રન્ટની હદમાં છે તેવો જવાબ આપી દીધો હતો. ટૂંકમાં પોલીસ સ્થાનિકો યોગ્ય જવાબ ન આપી ગોળ-ગોળ ફેરવતી હોવાનું એક સ્થાનિકે જણાવ્યું હતું. હાલ કોરોનાના કહેર અને સંક્રમણને જોતાં આ લોકોનું આ રીતે રોડ પર અને વિસ્તારમાં બિન્દાસ્ત ફરવું એ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. વળી એ જ રોડ પર આગળ જતાં કોવિડ-૧૯ માટે એસવીપી (વાડીલાલ હોસ્પિટલ) આવેલી છે. તેમજ તેમનું આ રીતે રહેવું એકેડેમી એક્ટ અને ડિઝાસ્ટર એક્ટનું પણ ઉલ્લંઘન કરે છે. ત્યારે આ બધી બાબતો તંત્રના ધ્યાને ક્યારે આવે છે, તે જોવાની વાત છે કે, પછી તંત્ર જાણી જોઈને અજાણ્યું બને છે ? એ પણ એક પ્રશ્ન છે. હાલ તો રોડ પર રહેનારા આ લોકો લોકડાઉનના અમલ કરાવનારાઓ સામે જ લોકડાઉનનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવી જીવન ટકાવી રાખવા વલખાં મારતા હોય તેવું લાગી રહ્યું છે. વળી આ ૧પ૦ જેટલા લોકોના કહ્યા મુજબ તે પંચમહાલ બાજુના છે તો શું તંત્ર દ્વારા તેમને વતન મોકલવાની વ્યવસ્થા ન કરી શકે ?
Recent Comments