અમરેલી, તા.૧૨
લોકડાઉનના કપરા સમયમાં લોકોને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારવા અને રાજ્યમાં માનસિક તણાવ તથા અન્ય કારણોસર કેટલીક વ્યક્તિઓએ આપઘાત કર્યો તે અંગેની માહિતી પુરી પાડવા અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે, કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉનના લીધે સમગ્ર દેશમાં વેપાર-ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા અને વહીવટી તંત્રએ બજાર વ્યવસ્થા ઉપરથી અંકુશ ગુમાવતા સામાન્ય લોકો આર્થિક ભીંસમાં આવી ગયા છે. આવી વિકટ આર્થિક પરિસ્થિતિમાં ઘણા બધા લોકોએ ભવિષ્ય અંધકારમય લાગતા આપઘાતનું અંતિમ પગલું ભર્યું છે. તેથી લોકોને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારવા અને માનસિક તણાવ દૂર કરવા રાજ્ય સરકારને ચીલાચાલુ પગલાઓ ભરવાને બદલે નક્કર પગલા ભરવામાં આવે આ ઉપરાંત કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું તે ૭૧ દિવસના સમયગાળામાં આર્થિક સંકડામણ અને માનસિક તણાવ તથા ભૂખમરો અને અન્ય કારણોસર રાજ્યમાં કુલ કેટલી વ્યક્તિઓ આપઘાત કર્યા છે તેની માહિતી પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે.