(એજન્સી) વેસિંગ્ટન, તા.૨
કોરોના મુક્ત થવાના એલાન બાદ ન્યુઝીલેન્ડમાં એક મોટી બેદરકારી સામે આવી છે. જોકે, ન્યુઝીલેન્ડના એક ક્વોરન્ટાઈન સેન્ટરમાં કેટલાક દિવસો પહેલા કોરોનાના કેસ સામે આવ્યા હતા. ક્વોરન્ટાઈન સેન્ટરની સુરક્ષામાં ચૂક થઈ ગઈ હતી. આ ચૂક બાદ ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે રાજીનામુ આપી દીધુ છે. ડેવિડ ક્લાર્કે કોરોનાને લઈને સરકારની પ્રતિક્રિયા અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ટીકાઓ બાદ રાજીનામુ આપ્યુ છે. લોકડાઉન દરમિયાન તેઓ પોતાના પરિવારની સાથે બીચ પર આવ્યા હતા. વડાપ્રધાન જેસિંડા અર્ડર્નએ ડેવિડ ક્લાર્કના રાજીનામાની જાહેરાત કરી. વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પહેલા ડેવિડ ક્લાર્કને હટાવવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યુ હતુ કે દેશમાં કોરોના રોકવામાં ડેવિડ ક્લાર્કે મહત્વની ભૂમિકા નિભાવી છે. જોકે, હવે પીએમ જેસિંડા અર્ડર્ને કહ્યુ કે તેઓ ડેવિડ ક્લાર્કના નિર્ણય સાથે સંમત છે. જેસિંડા અર્ડર્ને જૂનની શરૂઆતમાં જ ન્યુઝીલેન્ડને કોરોનામુક્ત જાહેર કરી દીધુ હતુ. ન્યુઝીલેન્ડ કોરોનામુક્ત થવાના એલાનના થોડા દિવસ બાદ જ બ્રિટનથી પરત ફરેલી બે મહિલાઓ કોરોના પોઝીટીવ મળી હતી. બંને મહિલાઓને ભલામણના આધારે ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી જલ્દી જ પરવાનગી આપવામાં આવી હતી. બાદમાં બંને કોરોના પોઝીટીવ નીકળી હતી. હાલ દેશમાં કોરોનાના ૨૨ એક્ટિવ કેસ છે જે અલગ-અલગ દેશોમાંથી આવ્યા છે. વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને એજ્યુકેશન મિનિસ્ટર ક્રિસ હિપકિન્સને વચગાળાના સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા છે. ક્રિસ હિપકિન્સ સપ્ટેમ્બરમાં થનારી ચૂંટણી સુધી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સંભાળશે. પીએમ જેસિંડા અર્ડર્નનું કહેવુ છે કે ચૂંટણી બાદ સ્થાયી સ્વાસ્થ્ય મંત્રીની નિયુક્તિ કરવામાં આવશે.