અમદાવાદ, તા.૩
એક તરફ સમગ્ર વિશ્વ બાદ ભારત દેશમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી એ ૨૧ દિવસ માટે દેશ માં લોકડાઉન જાહેર કર્યું છે. જો કે, લોકડાઉનમાં જે લોકો રોજ કમાઈને રોજ ખાઈ રહ્યા છે. તેવા પરિવારને કોઈ તકલીફના પડે તે માટે સરકાર દ્વારા રેશનિંગનું દુકાનો પણ બી પી એલ કાર્ડ ધારકોને મફતમાં અનાજ આપવાનુ નક્કી કર્યું છે. અનાજ આપવાનું શરૂ થતા જ વહેલી સવારથી જ રેશનિંગની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ કેટલાક દુકાનદારો માટે જાણે કે આ કમાવવાની સીઝન શરૂ થઈ ગઈ હોય તેમ આ પરિસ્થિતિમાં પણ લોકોને છેતરવાનુ બંધ નથી કર્યું. અને વજનમાં ગોલમાલ કરી છેતરપીંડી કરી રહ્યા છે. આવા જ એક દુકાનદારની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. શાહીબાગ ચમનપુરામાં રેશનીંગની દુકાન ધરાવતા દિલીપ કુમાર શાહને ત્યાં ૨જી એપ્રિલએ અનાજ લેવા લાંબી કતારો હતી. દુકાનમાં હાજર પૂનમચંદ શાહ લોકોને નિયમ પ્રમાણે એન્ટ્રી કરી અનાજ આપતા હતા. ત્યાં જયંતીભાઈ ઠાકોરએ ૩૫ કિલો ઘઉં અને ૧૫ કિલો ચોખા લીધા હતા. જો કે, અનાજ લીધા બાદ વજનમાં ગોલમાલ લાગતાં તેમને ફરી અનાજ તોલ્યું હતું. જેમાં ૧૦ કિલો ઘઉં અને ૫ કિલો ચોખા ઓછા હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી તેમને હોબાળો કર્યો હતો. ત્યાં બીજા ગ્રાહક જીતેન્દ્ર સોની એ પણ તેમને આપેલ અનાજનું વજન કરતાં તેમાં પણ ૧૦ કિલો ઘઉં અને ૫ કિલો ચોખા ઓછા હતા. જો કે, અન્ય બીજા બે ગ્રાહકો દ્વારા તેમને આપેલા વજન તપાસતા તેમાં પણ અનાજ ઓછું હોવાનું જાણવા મળતા અંતે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બે લોકો વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી દુકાનમાં હાજર પૂનમચંદની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે તેમને આંખે ઓછું દેખાતું હોવાથી વજન ઓછું થયું છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે આ વિસ્તારના અન્ય લાભાર્થી ઓને આ અનાજનો લાભ મળી રહે તે માટે પોલીસએ જવાબદાર અધિકારી ને આ બાબત નું ધ્યાન દોર્યું છે.