(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
જેલ સત્તાવાળાઓની બેદરકારી કે માનવતા વિહિન વહીવટનો અમદાવાદના ૭૦ વર્ષીય વૃદ્ધને આજે અનુભવ થયો હતો. હાલ કોરોના વાયરસની સ્થિતિના સંજોગોમાં જેલમાં રહેલા કેદીઓને મુક્ત કરવા અંગેની કામગીરી અંતર્ગત વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા અમદાવાદના હીરાપુર ગામના વૃદ્ધને ફોન કરી જણાવાયું હતું કે તેઓ રૂા.પ૦૦ ભરીને જેલમાં રહેલા તેમના ભત્રીજાને લઈ જાય. જેને પગલે આજરોજ વૃદ્ધ સાઈકલ લઈને વડોદરા પહોંચ્યા હતા. જો કે જેલ સત્તાવાળાઓએ ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાથી હવે ભત્રીજાને છોડાશે નહીં તેઓ ઊડાઉ જવાબ આપતા વૃદ્ધ અટવાયા હતા. અમદાવાદના હીરાપુર ગામના રહેવાસી રામાભાઈ પંચાલે ભત્રીજા સંજય પંચાલને પુત્રની જેમ ઉછેર્યો હતો. ફેબ્રિકેશનની કામગીરી કરતા રામાભાઈનો ભત્રીજો સંજય ટાયરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ચાર ચોરીના ટાયર ખરીદવાના મામલે તેની પોલીસે ધરપકડ કર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી સંજય વડોદરા સેન્ટ્રલ જેલનો કેદી છે. હાલમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને અનુલક્ષીને જેલમાં રહેલા કેદીઓને મુક્ત કરવા અંગે આદેશ કરાયા હતા. જેને પગલે ત્રણેક દિવસ અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા ફોન કરીને રામાભાઈને જણાવાયું હતું કે રૂા.પ૦૦ ભરીને તેઓ સંજયન છોડાવી જાય. જો કે તે વખતે નાણાની અછત હોવાથી રામાભાઈ વડોદરા આવી શકયા નહોતા. આ અગાઉ પણ તેમને જેલ તંત્ર દ્વારા એકાદ બે કોલ કરાયા હતા. ટીવી પાડોશીને ત્યાં ગીરવે મૂકી રામાભાઈએ રૂા.૧૦૦૦ની વ્યવસ્થા કરી હતી. દરમિયાનમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે જેલ તંત્ર દ્વારા રામાભાઈને કોલ કરાયો હતો. વડોદરા પહોંચવા માટે અન્ય કોઈ સગવડ ના હોવાથી આશરે ૭૦ વર્ષીય રામાભાઈ પંચાલ આજે સવારે સાત વાગ્યે સાઈકલ પર વડોદરા આવવા નીકળ્યા હતા. રસ્તામાં અનેક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ તેમને ચા-નાસ્તા સહિતની સહાય કરી હતી. સાંજે ચાર વાગ્યાના અરસામાં રામાભાઈ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂછપરછ કરતા જેલ તંત્ર દ્વારા ઊંડાઉ જવાબ આપવામાં આવ્યો હતો કે તમે આટલા દિવસ ના આવ્યા હવે ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. આવો જવાબ સાંભળીને રામાભાઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. સંજયને કયારે છોડવામાં આવશે તે અંગે જેલ તંત્ર દ્વારા કોઈ જ ચોક્કસ માહિતી આપવામાં ન આવતા રામાભાઈ અવઢવમાં મૂકાઈ ગયા હતા.