હિંમતનગર,તા.૧૪
લોકડાઉનને લીધે સાબરકાંઠા જિલ્લામાં તમામ ઉદ્યોગ ધંધાઓ તથા વેપારીઓ વેપાર કરી શકતા નથી તેના લીધે આર્થિક ફટકો પડી રહ્યો છે. રોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. નેશનલ હાઈવે-૮ પર રાત-દિવસ દોડતા વાહનોનો ધમધમાટ થંભી જતા રોડ સુના બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં રાત-દિવસ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. દરમ્યાન સરકારે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે મોટા વાહનોને છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને બે દિવસ અગાઉ મામલતદાર તથા સ્થાનિક પોલીસે હાઈવે પર આવેલી હોટલોનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે આ હોટલ માલિકોનો સંપર્ક કરી તેમને પાર્સલ સેવા શરૂ કરવા માટે મંજૂરી અપાઈ છે.
આ અંગે હિંમતનગર-અમદાવાદ વચ્ચે આવેલી પાંચથી વધુ હોટલોને તેમની હોટલો શરૂ કરવા જણાવાયું છે. જે અંગે કાટવાડ સિરામીક ઝોન નજીક આવેલ હોટલ આગમનના માલિક મુકેશભાઈ એસ. પટેલના જણાવાયા મુજબ તેઓ ટ્રકોના ડ્રાઈવરો તથા કંડક્ટરોને સોશિયલ ડીસ્ટબન્સ રાખીને ભોજનનું પાર્સલ આપશે સાથે જમવા માટે પેપરડીસ અને પાણીની સગવડ પણ ઉપલબ્ધ કરાવશે જિલ્લામાં તંત્ર દ્વારા જે હોટલો અને ટાયર પંચરની દુકાનોને ચાલુ રાખવા માટે પરવાનો અપાયો છે. તે શરતી અને ગમે ત્યારે ફેરફાર થવાને પાત્ર હોવાનું લેખિત આદેશમાં જણાવાયું છે.