અમદાવાદ, તા.૮
શહેરમાં મંગળવારે આવેલા કોરોના વાયરસ પોઝિટિવ દર્દીમાં દારૂની કુટેવ ધરાવતા મુકેશ નામના યુવકનું નામ આવતા પોલીસ દોડતી થઇ છે. દર્દી દારૂ કોના ત્યાંથી ખરીદતો તે શોધવા પોલીસે ધમપછાડા કર્યા છે. યુવક વટવા જીઆઇડીસીમાં રહેતી મહિલા બૂટલેગરના ત્યાંથી દારૂ ખરીદતો હોવાના સ્થાનિકોના આક્ષેપ અંગે પોલીસે તપાસ કરી હતી.
હાલ જે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમાં એક યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોએ તેની તપાસ કરી તો તે દારૂનો બંધાણી હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ પહેલાં મુકેશ વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવ્યો હતો. બીજુ મહિલા બુટલેગરના ત્યાં લોકડાઉન પહેલાં અને પછી પોલીસે સતત રેડ કરી હોવાથી ત્યાં દારૂ વેચાતો હોવા અંગે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. પણ આ દારૂનો બંધાણી હોવાથી તે દારૂ ક્યાંથી લાવીને પીતો હતો એ બાબતે પોલીસ ગંભીર બની તપાસ કરી રહી છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મુકેશ નામના વ્યક્તિની આ માહિતી સામે આવતા અમે ડોકટરનો સંપર્ક કરી તપાસ કરી રહ્યા છીએ. બીજી તરફ આ વ્યક્તિ ૫૦થી વધુ લોકોના સંપર્કમાં આવ્યો હતો તે બાબતે ખરાઈ કરવામાં આવી રહી છે.