નવી દિલ્હી,તા.૧૧
દેશમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉનનો આજે ૧૮મો દિવસ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. એક વીડિયોમાં દિલ્હી પોલીસની પ્રશંસા કરતા કોહલી અને ઈશાંતે ઘણી વાતો કહી હતી.
વિરાટે વીડિયોના માધ્યમથી કહ્યું, આ મુશ્કેલ સમયમાં દેશભરની પોલીસને લોકો મદદ કરી રહ્યા છે તે જાણવું મારા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે, હું દિલ્હી પોલીસના પ્રયાસોનો આભાર માનીશ કે તેઓ ન માત્ર ઈમાનદારીથી તેમની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ ગરીબ લોકો સુધી જમવાનું પણ પહોંચાડી રહ્યા છે. તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો અને આમ જ કરતાં રહો. જ્યારે ઈશાંતે કહ્યું, આ ઘરે રહેવાનો સમય છે. તમારા નજીકના લોકો સાથે રહો અને તમારો તથા પરિવારનો ખ્યાલ રાખો. પોલીસ જવાનો દિવસ રાત તેમની ડ્યૂટી કરી રહ્યા છે. તેણે કહ્યુ, તમે ઘરમાં રહીને દિલ્હી પોલીસની મદદ કરો. તમે અફવા પર ધ્યાન ન આપો. આપણે સાથે લડીને જીત હાંસલ કરીશું.