(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.રપ
ગુજરાતમાં લોકડાઉન-૧માં સૌથી વધુ સલામત ગણાતા અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૨માં સરહદો સીલ હોવાની સાથે આરોગ્યતંત્ર સજ્જ હોવાના દાવાઓ વચ્ચે ૯૬ કલાકમાં કોરોના વિસ્ફોટ થતા ૧૨થી વધુ કેસ બહાર આવતા તંત્ર ઉંધા માથે પછડાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન-૨માં બહારથી ઘુસી આવેલા લોકો કોરોના લઈને પહોંચતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને તંત્ર પરથી ભરોષો તૂટી જતા લોકો ખુદ ચોકીદાર બની પ્રવેશદ્વારે ગામ બહારનો કોઈ પણ વ્યક્તિ પ્રવેશે નહિ તેની દિવસ-રાત તકેદારી રાખી રહ્યા છે. મોડાસા તાલુકાના શિણાવાડ નજીક આવેલા દોલપુર ગ્રામ્ય પંચાયતે ગામના તમામ પ્રવેશદ્વારો પર પ્રવેશબંધી ફરમાવતા ગામમાં બુટલેગરોનો ધંધો બંધ થતા પંચાયતના સભ્ય અને તેના પરિવારજનો પર બુટલેગરો અને તેમના મળતિયાઓએ હુમલો કરતા ભારે ચકચાર મચી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિત કાબુમાં લઈ ૫ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શુક્તવારે રાત્રીના સુમારે, મોડાસાના દોલપુર ગામે કોરોનાને લઈને પ્રવેશબંધી ફરમાવતા બુટલેગર અને તેના પરિવારે પંચાયતના સભ્ય દિલીપભાઈ માનભાઈ ખાંટના પરિવારજનો પર ઘાતક હથિયારો સાથે હુમલો કરતા ૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાની ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હુમલાખોરોને ઝડપી પાડવા કોમ્બિંગની કામગીરી હાથધરી ૯ હુમલાખોરોને દબોચી લીધા હતા.