(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત મહાનગર પાલિકા બાદ સુરત ટ્રાફિક પોલીસ પર પણ કરપ્શનના આરોપો લાગ્યા છે. લોકડાઉન દરમિયાન વાહન ટોઈંગના ૯૨ લાખથી વધુ ચુકવીને એજન્સીને ઘી-કેળાં કરાવનાર ટ્રાફિક ડીસીપી શંકાના દાયરામાં આવી ગયા છે. આ મામલે મુખ્યમંત્રીથી માંડીને લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી છે. આરટીઆઈમાં મળેલા દસ્તાવેજો ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારને સમર્થન આપી રહ્યાં છે. ટેન્ડરની શરતોનું ભંંગ કરનાર અગ્રવાલ એજન્સી સામે અગાઉ પણ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી પરંતુ ટ્રાફિક પોલીસના માનીતી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. મોટર વેહિકલ એક્ટના ભંગ કરીને ટોઇંગ વાહનના ત્રણે બાજુ ટુ વ્હીલ લટકાવવાની પદ્ધતિ બંધ કરાવવા માટે એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા મારફતે લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. ૯૨ લાખ ચુકવી દેવાના મામલે ગુજરાત સરકાર સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને ફરિયાદ કરવામાં આવી છે અને ત્રણ દિવસમાં એફઆઈઆર કરીને જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગણી એસઈ દ્વારા કરવામાં આવી છે.