વડોદરા, તા.૮
વડોદરા શહેરના વીર શહીદ આરીફખાન પઠાણના પરિવારને મળવા માટે આવેલા જમ્મુમાં ભારતીય સેનામાં ફરજ બજાવતો જવાન લોકડાઉનમાં ફસાઈ ગયો છે. આ જવાને વતન જવા માટે પોલીસ તંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને દિલ્હી પી.એમ.ઓ. ઓફિસ સુધી રજૂઆત કરવા છતાં જવાનની વ્યવસ્થા થઈ નથી. સરકારી તંત્રથી નારાજ થયેલા આ જવાને જણાવ્યું કે, અમારા જેવા જવાનની રજૂઆત જો સરકાર સાંભળી શકતી ન હોય તો સામાન્ય વ્યક્તિની શું વિસાત.
વડોદરાના નવાયાર્ડનો રહેવાસી આરીફ પઠાણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયો હતો. જમ્મુમાં સાથે નોકરી કરતો સલમાન અહેમદ શહીદ થયેલા મિત્ર આરીફ પઠાણના પરિવારને મળવા માટે ૨૧ માર્ચના રોજ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતાં ફસાઈ ગયો હતો.
લોકડાઉનના ૫૦ દિવસ બાદ સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેઓના વતનમાં મોકલવા માટે ટ્રેન અને બસની સુવિધા કરી છે ત્યારે વડોદરામાં ફસાયેલા જવાન સલમાને પણ પોતાના વતન જવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ તેમના જવા માટેની કોઈ વ્યવસ્થા ન થતા તેઓએ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને વતન જવાની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. જમ્મુ ભારતીય સેનામાં ફરજ બજાવી રહેલા સલમાન અહેમદે જણાવ્યું હતું કે, મારૂ વતન યુ.પી.માં ગાજીપુર જિલ્લામાં છે. વતન જવા માટે મેં મારા યુનિટમાં વાત કરી હતી. તેઓએ મને દિલ્હી પી.એમ.ઓ. ઓફિસમાં અમારા અધિકારી સાથે વાત કરાવી હતી. તેઓએ મને લેખિતમાં ડી.એમ., એ.ડી.એમ.ને જવાબ રજૂઆત કરવા જણાવ્યું હતું. પરંતુ મારી રજૂઆત ધ્યાનમાં લેવાઈ નથી. આ ઉપરાંત હું વડોદરા શહેર પોલીસ તંત્રના અધિકારી વિમલ ગામીતને મળ્યો હતો. તેઓએ મારા માટે પ્રયાસ કર્યા છે. પરંતુ સફળતા મળી નથી. આ સાથે હું પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને પણ મળ્યો હતો છતાં મારી જવાની વ્યવસ્થા થઈ નથી.
વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેનમાં જવા માટે મે ફોર્મ પણ ભર્યું છે. એ વાતને પણ ૭ દિવસ થઈ ગયા પરંતુ મને કોઈ જવાબ રેલવે તરફથી મળ્યો નથી. વતનમાં મારી વિધવા મા એકલી છે. ભાઈ જોધપુરમાં છે. ૧૯૯૯ના વોરમાં મારા પિતા શહીદ થયા હતા. તેમની જગ્યાએ હું આર્મીમાં આવ્યો છું. એક વર્ષ બાદ મને લિવ મળી છે. મારે મારા વતન જવું છે. સરકાર મારી વાત સાંભળશે. જો મારા જેવા જવાનની આ હાલત હોય તો સામાન્ય વ્યક્તિની હાલત કેવી થતી હશે.