મોસાલી,તા.૧
ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જનારા લોકો માટે સરકારે છૂટ છાટ આપી છે, પરંતુ માર્ગમાં ઠેર ઠેર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલી હોય જે લોકો જે રાજ્યમાં જવાના હોય એમને માર્ગમાં કોઈ મુશ્કેલી ન પડે એને ધ્યાનમાં લઈ માંગરોળ મામલતદાર કચેરી તરફથી પાસ આપવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતાં માંગરોળના મામલતદાર મંગુભાઈ એમ. વસાવા અને નાયબ મામલતદારને જણાવ્યું કે, માંગરોળ તાલુકાના ધામરોડ ગામે સુરત જિલ્લાની હદ પુરી થાય છે. આ સ્થળે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલી છે, આ હાઇવે ઉપર આવેલ રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે મામલતદાર કચેરી માંગરોળ દ્વારા અન્ય રાજ્યમાં જનારા લોકો માટે પાસ આપવા માટે ચોવીસ કલાક સેવા શરૂ કરવામાં આવી છે, આ સ્થળ ઉપર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, ઓનલાઈન પાસ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોએ છેક માંગરોળ મામલતદાર કચેરી સુધી આવવું ન પડે, માંગરોળ તાલુકા વહીવટી તંત્ર તરફથી આ જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એની પ્રજાજનો ભારે પ્રશંસા કરી રહ્યા છે.