અમદાવાદ, તા.૭
અડધા અડધ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે. ત્યારે તંત્ર દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. દરમ્યાન હવે લોકડાઉનના બાકીના સાત દિવસ દરમ્યાન કડક અમલ કરવામાં આદેશ રાજ્યના ડીજીપીએ કર્યો છે. એટલે હવે લોકડાઉનના બાકી સાત દિવસમાં વગર કામે બહાર નીકળ્યા તો તમારી ખૈર નથી. રાજ્યના નાગરિકોએ જે રીતે અત્યાર સુધી સંયમ જાળવી રાખ્યો છે એવો જ સંયમ રાખીને પોલીસને સહયોગ આપે તે જરૂરી છે. નહીંતર નાછૂટકે પોલીસ જરૂરી ફોર્સ વાપરતા પણ અચકાશે નહીં. લોકડાઉન દરમિયાન પોલીસ વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની મીડિયાને વિગતો આપતાં ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, જે વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે અને ક્લસ્ટર કવોરન્ટાઈન કરાયું છે ત્યાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરાશે. જેમાં એસ.આર.પી., સી.આઇ.ડી. ક્રાઇમ, વિવિધ પોલીસ સંસ્થાઓ, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારી-કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જેમાં વધારાના ૧૩ ડીવાયએસપી, ૧૦૨ પીઆઇ, ૫૧ પીએસઆઇ અને ૩૯૭ એ.એસ.આઈ થી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ સહિત એસ.આર.પી. ફોર્સને પણ તૈનાત કરી દેવાઈ છે. એન.સી.સી.ના ૨૬૯૮ અને એન.એસ.એસ.ના ૨૭૩૪ તાલીમબદ્ધ કેડેટ્‌સને પોલીસની કામગીરીમાં જોડીને તેમનો પણ સહયોગ લઇ લોકડાઉનની કડક અમલવારીની કામગીરી વધુ સઘન બનાવાશે. તેમણે કહ્યું કે, સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે પણ મુખ્યમંત્રીએ ખાસ તકેદારી રાખવા સૂચવ્યું છે, તે માટે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવાયું છે. શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે તેમને ગામના આગેવાનો-પોલીસ મિત્રની મદદ લઈને કવોરન્ટાઈન કરવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે અને આવા લોકોને ગામના વયસ્કોથી દૂર રહેવા પણ તાકીદ કરવામાં આવી છે. ઝાએ ઉમેર્યું કે, લોકડાઉનના અમલમાં કાર્યરત પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આવા તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને આ દરમિયાન કોરોના રોગના લક્ષણો જણાય તો ટેકનોલોજીની મદદથી તેની જાણ ઉચ્ચ અધિકારીઓને થશે એટલું જ નહીં, દરરોજ તેમની મેડિકલ ફિટનેસ અપડેટ લેવામાં આવશે. પોલીસ અધિકારી-કર્મચારીઓના હેલ્થ ચેકઅપની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલ પાસ – પરમીટનો દુરુપયોગ કરે છે, આ વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડ્રોન મારફતે પણ આવા વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં ૧૧૪ ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે ત્યારે લોકડાઉનની ગંભીરતા સમજીને નાગરિકો સ્વયં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તેવી પણ અપીલ ડીજીપી કરી છે. દિલ્હી મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે ડીજીપીએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાંથી ૧૨૬ નાગરિકો ઓળખાયા હતા. આજે અન્ય વધુ એક વ્યક્તિને ઓળખી લેવામાં આવ્યા છે જે નવસારીના ગણદેવી વિસ્તારના છે. એટલે કે દિલ્હી મરકઝથી ગુજરાતમાં આવેલા કુલ ૧૨૭ વ્યક્તિઓને ગુજરાત પોલીસે ઓળખી કાઢ્યા છે. જે પૈકી મોટાભાગના અમદાવાદ, ભાવનગર, મહેસાણા, જૂનાગઢ, બોટાદ, સુરત, છોટાઉદેપુર અને નવસારી વિસ્તારના હોવાનું ધ્યાને આવ્યું છે. ક્લસ્ટર કવોરંટાઈન કરાયેલા તમામ વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા એસ.આર.પી.ની વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે ત્યારે આવા વિસ્તારોમાં પોલીસને પૂરતો સહયોગ આપવા ઝાએ નાગરિકોને અપીલ કરી છે.

સોશિયલ મીડિયામાં ભડકાઉ મેસેજ બનાવનારા
અને ફેલાવનારા ર૪૦ લોકોની ધરપકડ

અમદાવાદ, તા.૭
ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી થાય છે. ગઈકાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૮ ગુનાઓ દાખલ થયા છે. અત્યાર સુધીમાં ૧૩૧ ગુનાઓ દાખલ કરી ર૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૩૪૬ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૬૪ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧પ૪૧ અને હોમ ક્વોરન્ટાઈન ભંગના ૬૭૭ તથા અન્ય ૧૬ર ગુનાઓ મળી કુલ ર૩૮૦ ગુનાઓ આજે દાખલ થયા છે. જે અંતર્ગત ૩૯પ૬ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૭૧૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.