(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ભારતીય જનતા પાર્ટીના ૪૦મા સ્થાપના દિવસે વડાપ્રધાનએ સોમવારે સવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા.વડાપ્રધાને નાગરિકોની પ્રશંસા કરતા જણાવ્યું કે, ભારત જેવા મોટા દેશમાં લોકડાઉન દરમિયાન લોકો દ્વારા દેખાડાયેલી પરિપકવતા અભૂતપૂર્વ હતી. તેમણે કહ્યું કે, રોગચાળા સામે એકતા માટે લોકોને અભિનંદન આપ્યા હતા. ભારત રોગચાળાની ગંભીરતા સમજનારા દેશોમાંથી એક છે. ભારતે આ માટે કેટલાક નિર્ણયો લીધા છે અને પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. પીએમ મોદીએ કોરોના વાયરસ મહામારીના સંકટને લઇ કહ્યું કે, આજે સમગ્ર માનવ જાતિ પર સંકટ છે. પડકારોભર્યું આ વાતાવરણ દેશની સેવા માટે અમારા સંસ્કાર, સમર્પણ અને કટિબદ્ધતાને લઇ વધુ સશક્ત થવાના માર્ગને મોકળો કરે છે. આ લાંબી લડાઇ છે, થાકવાનું નથી અને હારવાનું પણ નથી. લાંબી લડાઇ બાદ જીતવાનું છે. પીએમે જણાવ્યું હતું કે, આજે દેશનું લક્ષ્યાંક એક જ છે. મિશન એક છે અને સંકલ્પ પણ એક છે. એને એ છે કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇમાં જીત. ભાજપના કાર્યકરોને એક જ મંત્ર શીખવવામાં આવ્યો છે કે, પક્ષ બાદ દેશ સેવા અમારા સંસ્કારમાં છે. કોરોનાની આ મુશ્કેલ ઘડીમાં અમીરી જવાબદારી વધારે વધી જાય છે. દેશમાં વધતા કોરોના વાયરસના કેસો વચ્ચે પીએમ મોદીની કેબિનેટની સાથે બેઠક પણ થઇ હતી. આ બેઠક પહેલીવાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઇ હતી. દેશમાં ૨૧ દિવસના લોકડાઉનનો આજે ૧૩મો દિવસ છે. આ લોકડાઉન ૧૪મી એપ્રિલે સમાપ્ત થશે. પીએમ મોદીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું કે, ભાજપના ૪૦મા સ્થાપના દિવસે તમને આગ્રહ કરવા માગું છું. મારા તમને પાંચ આગ્રહ છે. ગરીબોને રાશન માટે અવિતર સેવા અભિયાન ચલાવવું. એ ખાતરી કરવી પડશે કે આપણી આસપાસ કોઇ ગરીબ ભૂખ્યું ના સૂઇ જાય. બીજું તમારી સાથે પોતે જ પાંચથી સાત લોકો માટે માસ્ક બનાવો અને તેનું વિતરણ કરો. માસ્ક પહેરવાની ટીવ રાખો. આ માસ્ક ક્લિનિકલ હોય તે જરૂરી નથી. કોઇપણ કપડાનો માસ્ક બનાવી શકો છો. ત્રીજું એ કે, કોરોના વાયરસ સામે લડાઇમાં મદદ માટે સરકારે એક આરોગ્ય સેતુ એપ તૈયાર કર્યો છે. તમામને આની વધુમાં વધુ માહિતી આપવા કહેવાયું છે અને ઓછામાં ઓછા ૪૦ લોકોના મોબાઇલમાં એ એપ ઇન્સ્ટોલ કરો. ચોથું એ કે, લાખો લોકો પીએમ કેર ફંડમાં દાન કરી રહ્યા છે. આની જાણકારી લોકોને આપો. દરેક ભાજપનો કાર્યકર પોતે પણ આમાં સહયોગ કરે. અને ૪૦ લોકોને દાન કરવા પ્રેરિત કરો. પાંચમો આગ્રહ એ છે કે, ડોક્ટર, પોલીસ, બેંક, સ્વાસ્થ્યકર્મી અને સરકારી કર્મચારીનો આભાર વ્યક્ત કરો. તમામને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવો અને પોતે પણ કરો.