(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
શરતોને આધીન લોકડાઉન લંબાયું છે ત્યારે રાજ્યભરમાં સાંજના ૭.૦૦થી સવારના ૭.૦૦ દરમિયાન રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે જેમાં તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે. આ માટે વિશેષ બંદોબસ્ત ગોઠવીને સતત ચેકિંગ રખાશે. નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ વિભાગને ચોક્કસ દિશા-નિર્દેશો પણ આપી દેવાયા છે એમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. વધુમાં રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલા લોકડાઉન-૪ના નવા તબક્કામાં અપાયેલી છૂટછાટો સંદર્ભે નાગરિકો સ્વેચ્છાએ પાલન કરી સંક્રમણથી બચવા તમામ તકેદારી રાખે એ અગત્યનું છે. લોકડાઉનમાં અપાયેલી છૂટછાટ વ્યક્તિગત લાભ કે સુવિધાઓને ભૂલીને સમાજના હિતમાં થતું શિસ્ત અને સંયમબદ્ધ વર્તન જ આ મહામારી સામે આપણું સુરક્ષા કવચ બની શકશે. લોકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવાનું ભૂલે નહીં અને જ્યાં પણ જાય ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાતપણે જાળવે. આ નવી ગાઇડલાઇન અને સ્થાનિક તંત્ર દ્વારા લગાવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં સવારે ૮.૦૦થી બપોરના ૪.૦૦ કલાક દરમિયાન જ દુકાનો છૂટછાટ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ અને આવશ્યક સેવાઓને જ છૂટ આપી છે. એટલે દુકાનદારો પણ સમય મર્યાદાનું પાલન કરીને પોલીસ વિભાગને સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના જે વિસ્તારોમાં રીક્ષા અને ટેક્ષીને પરમિશન આપવામાં આવી છે, એમાં પણ બે જ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. રાજ્યમાં તમામ જગ્યાએ શાળા, કોલેજ, જીમ, સ્વિમિંગ પૂલ, બગીચા, શોપિંગ મોલ, થિયેટર બંધ રહેશે તથા કોઈ પણ પ્રકારની ધાર્મિક કે સાંસ્કૃતિક મેળાવડા ન થાય તે અંગે પણ પોલીસ સચેત રહશે. એ જ રીતે રાજ્યના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં પહેલાં જેવું જ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરાવવા માટે પૂરતા બંદોબસ્ત સાથેની સુરક્ષા વ્યવસ્થા ચાલુ રહેશે. રાજ્યમાં કોરોના વોરિયર્સ પર થતાં હુમલાઓને સાંખી લેવાશે નહીં, આવાં કૃત્યો કરનાર સામે પાસાની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી રહી છે. આ પ્રકારના ત્રણ બનાવો ધ્યાને આવ્યા છે જેમાં એક સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના કાવી તથા ભરૂચ શહેરના એ-ડીવીઝનમાં એક-એક ગુના નોંધાયા છે. આ તમામ ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધીમાં ૪૦ ગુનાઓમાં ૯૪ આરોપી વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કોરાના વોરિયર્સ ઉપર હુમલાના જે ૪૦ ગુના નોંધાયા છે એમાં ૨૮ બનાવો પોલીસ ઉપર હુમલાના, ૬ બનાવ જી.આર.ડી./હોમગાર્ડ ઉપર હુમલાના, ૨ બનાવ મેડિકલ સ્ટાફ પર હુમલાના, ૨ બનાવ મહેસુલ વિભાગના અધિકારીઓ પરના હુમલાના તથા આશાવર્કર ઉપર હુમલા કરવાના બે બનાવનો સમાવેશ થાય છે. કોરોનાના સંક્રમણથી સમાજને બચાવવા માટે પોલીસ અને મેડિકલ વિભાગ સહિત અનેક કર્મચારીઓ પોતાના જાનની ચિંતા કર્યા વગર રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે અને ફરજ દરમિયાન પોતે પણ કોરોનાના ચેપથી સંક્રમિત થયા છે. કોરોનાના કારણે ગુજરાત પોલીસને પોતાના બે કર્મચારીઓ ગુમાવવાની અત્યંત દુઃખદ ઘટના બની છે. આ ઘટના અંગે સમગ્ર પોલીસ વિભાગ ઘેરા શોકની લાગણી અનુભવે છે. ગુજરાત પોલીસ દ્વારા આ કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુજરાત પોલીસ દળના દરેક અધિકારી-કર્મચારી દ્વારા બપોરે ૧૨.૦૦ કલાકે એક મિનિટનું મૌન પાળીને સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.