(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
લોકડાઉન છતાં લોકો મોડી રાત સુધી ઘરની બહાર ફરીને લોકડાઉનનો ભંગ કરે છે ત્યારે લોકડાઉનના અમલ દરમિયાન રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા નાગરિકોની સામે કાર્યવાહી કરવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. આવા લોકોને પકડવા પોલીસ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરશે. અમદાવાદમાં કન્ટેન્ટમેંટ જાહેર કરેલા વિસ્તારમાં નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાશે. ઉપરાંત ઘોડે સવાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. એટલું જ નહીં પોલીસની ગાડી જોઈને સરકી જતા વ્યક્તિઓને પકડવા માટે પોલીસને ખાનગી ગાડીઓમાં ચેકિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને તેમની સાથે એક વીડિયોગ્રાફરને પણ રાખવા તાકિદ કરાઈ છે. એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા એ જણાવ્યું છે.
કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા નાગરિકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઝાએ ઉમેર્યું હતું કે, સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના ૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં ૫૯૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ હતુ કે, લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૭૪ ગુના દાખલ કરાયા છે.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થયેલા હુમલા અંગે વિગતો આપતા ડીજીપી ઝાએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં તા.૨૨ એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે, ખેડા જિલ્લાના સેવાલીયા ખાતે તા.૨૩ એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા.૨૨ એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે અને પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે તા.૩ એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૧૮ ગુના નોંધી ૪૪ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકડાઉનમાં રાત્રે બહાર નીકળતા લોકોને પકડવા નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાશે

Recent Comments