(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા.ર૮
લોકડાઉન-૪માં એસટી બસો દોડાવવા છૂટછાટ આપી છે. પરંતુ નડિયાદ એસટી ડિવિઝનની વહીવટી ખામી ગણો કે પછી અણઅવડતને કારણે પ્રજાને આજે સપ્તાહ બાદ પણ એસટી સુવિધા ન મળતી હોઈ ખાનગી વાહનમાં મોંઘીદાટ મુસાફરી કરવી પડે છે જેથી પ્રજામાં રોષ જોવા મળે છે. નડિયાદ એસટી ડિવિઝન તાબાના ડેપો ખેડા અને આણંદ જિલ્લામાં છે, તે તમામને દસ-દસ શિડ્યુલ પર એસટી દોડાવવા તંત્રએ હુકમ કર્યો છે. પરંતુ માર્ગદર્શનને અભાવે શિડ્યુલ પર એસટી બસ દોડે છે. પરંતુ મુસાફરોને લાભ મળતો નથી જેથી ખાલીખમ બસો દોડી રહી છે. તંત્રને આવક કરતાં જાવક વધી રહી છે. નડિયાદથી વડતાલ એસટી બસ દોડાવવામાં આવે છે પણ સવારે આઠ વાગે વડતાલ તરફ દોડતી એસટી બસ બપોરે એક કલાકે બંધ કરવામાં આવે છે. નડિયાદ કંટ્રોલમાં પૂછીએ તો કહે છે કે, નડિયાદથી વડતાલ જવા બપોરે એક કલાકે છેલ્લી બસ છે. કોઈ વ્યક્તિ વડતાલથી કામ અર્થે નડિયાદ આવે અને તેને બે ચાર કલાકનું કામ હોય તો તે કામ બે-ત્રણ વાગે પૂરૂં થાય પછી એ વ્યક્તિ વડતાલ પરત કેમનો જાયપ ના છૂટકે નડિયાદથી રિક્ષા ભાડે કરી જવું પડે છે. સ્પેશિયલ રિક્ષાના મોંઘા ભાડા ચૂકવવા પડે છે. આ તો એક શિડ્યુલની વાત થઈ આવી ભૂલો તો મોટાભાગના શિડ્યુલોમાં છે. નડિયાદથી ડાકોર જવા બપોરે ૩ઃ૫૦ પછી એક પણ બસ નથી. લોકોની માંગ છે કે, સાંજે સાત વાગ્યા સધી છૂટ હોવાથી એસટી બસ આ સમય સુધી ચાલે તેવું આયોજન કરવું જોઈએ.