અંકલેશ્વર,તા.૧
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે લોકડાઉન ભલે ઉત્તમ હથિયાર છે, પરંતુ આ લાંબા અંતરનાં લોકડાઉને અનેક લોકોની રોજગારી પણ છીનવી લીધી છે, ત્યારે રોજીરોટી અને ઘરથી બેઘર બનેલુ એક દંપતીએ સાઇકલ પર સવાર થઈને સુરતથી ઉત્તર પ્રદેશની વાટ પકડી હતી અને સાથે પોતાના આંઠ મહિના બાળકનું ઘોડીયુ પણ સાઇકલ પર બાંધીને બાળક સાથે નીકળેલા પતિ-પત્ની સૌ કોઈને કુતુહલ પૂર્વક જોઈ રહ્યું હતું. આ દંપતી સુરતથી અંદાજીત ૧૨૦૦ કિલોમીટરનું અંતર સાઇકલ પર સવાર થઈને કાપવા માટે નીકળ્યુ છે. અમર પાલ અને તેની પત્ની બંને અલગ અલગ સાઇકલ પર બરેલી પોતાના માદરે વતન જવા માટે નીકળ્યા છે, જ્યારે આ દંપતી ધામરોડ ચેક પોસ્ટ ખાતે પહોંચતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્ય ચક્તિ થઇ ગયું હતું, કારણ કે એક સાઇકલનાં પાછળનાં કેરિયર પર આંઠ મહિનાનું બાળકનું ઘોડીયુ બાંધેલુ હતું, અને આ પરિસ્થિતિ જોતા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ સહિત સૌ કોઈએ આ દંપતી માટે સંવેદના વ્યક્ત કરી હતી, અને અમર પાલ સાથે તેના અન્ય ત્રણ મિત્રો પણ જરૂરી પરવાનગી લઈને સાઇકલ પર સવાર થઈને ઉત્તર પ્રદેશ જવા નીકળ્યા છે. અમર પાલે જણાવ્યું હતું કે, રોજ જેટલા વધારે કિલોમીટર સાયકલ પર કપાય એટલા કાપીને વતનમાં પહોંચવુ છે, લોકડાઉનમાં કોઈ ધંધો ન રહેતા સુરતમાં મકાન માલિક પણ ભાડા માટે હેરાન કરતો હતો ન તો બે ટંક જમવાનું પણ પૂરું ન થતું હતું એટલે હવે આ સાહસ ખેડવા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોવાનું તેઓએ ભારે હૈયે જણાવ્યું હતું.