મુંબઈ,તા.૧૩
દેશમાં કોરોના વાઈરસ લોકડાઉનમાં એક બાજુ પરપ્રાંતિય કામદારો પારાવાર મુશ્કેલીઓ વેઠીને એમના વતન દ્યેર પહોંચી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મુંબઈ સહિત અનેક બંદરગાહો પરથી માલસામાન પહોંચાડવાની કામગીરી ધીમી પડી છે. હવે ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રેડર્સ તેમને થઈ રહેલા નુકસાનથી ચિંતિત છે અને કહે છે કે તેમની આર્થિક રાહત પેકેજની માગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં નથી આવ્યો. તેથી નક્કી કર્યું છે કે જેવું લોકડાઉન ખૂલે એ પછી તેઓ હડતાળ પર જશે. ટ્રાન્સપોર્ટરોએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે ટ્રાન્પોર્ટ સેકટરને કોઈ નાણાકીય પેકેજ આપવામાં નથી આવ્યું. ટ્રાન્સપોર્ટરોએ તેમના કામને આવશ્યક સર્વિસ ગણવાની પણ માગ કરી છે. તેમણે આ સિવાય કોરોના કાળમાં ટોલમાં કન્સેશન સહિત ઉદ્યોગ માટે વિવિધ માગ સાથે નાણાકીય પેકેજની પણ માગ કરી છે. આ ઉપરાંત તેમણે મોટર ઇન્શ્યોરન્સ અને લાઇસન્સની મુદતમાં પણ ફરજિયાત વધારો માગ્યો છે. દેશમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૨૦ કરોડ લોકો જોડાયેલા છે અને દેશભરમાં લોકડાઉનને પગલે આ ક્ષેત્ર છેલ્લા બે મહિનાથી વેન્ટિલેટર પર છે. ઉદ્યોગના લોકો ટકી રહે એ માટે તાત્કાલિક નાણાકીય પેકેજની જરૂર છે. આ ઉદ્યોગમાં હાલ કોઈ આવક નથી અને ઉદ્યોગ ઠપ હોવાથી અનેક વેપારીઓના પેમેન્ટ્‌સ અટકી ગયા છે અથવા અટવાઈ ગયા છે. સૂત્રોએ કહ્યું કે, વળી આમાં ૮૫ ટકા ઓપરેટરો નાની કંપનીઓ ચલાવે છે, જે કામકાજ બંધ હોવાથી તેમનો ધંધો લાંબા સમય સુધી ચલાવી શકે એમ નથી, એમ વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને ટ્રાન્સપોર્ટ પ્રધાનને લખેલા પત્રમાં ટ્રાન્સપોર્ટ ઓપરેટરોની સંસ્થા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે જણાવ્યું છે. દેશમાં સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન અમે સરકારને અમારી મુશ્કેલીઓ જણાવી હતી, પણ એણે અમારી સમસ્યાઓ ઉકેલવાને બદલે આંખ આડ કાન કર્યા અને અમને ગણકાર્યા પણ નહીં. સરકારે અમારી માગણીઓની અવગણના કરી હતી, એમ મુંબઈના એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર હેવી વેહિકલ્સ અને કન્ટેઇનર ઓપરેટર્સના એક સભ્યએ કહ્યું હતું.