કેન્દ્ર સરકાર તમામને વેક્સિન મળી રહે તેની તૈયારીઓ કરી રહી છે, તહેવારોના સમયમાં લોકોએ કોરોના ગયો તેમ માનીને બેદરકારી રાખવી નહીં, નિયમિત રીતે
સાબુ કે સેનિટાઇઝરથી હાથ ધોવા અને માસ્કનો સતત ઉપયોગ કરવો

આપણે લોકડાઉન લાગુ થયું ત્યારથી એક લાંબી લડાઇ લડી છે અને તેને વેડફી નાખશો નહીં, અનેક લોકો બેદરકાર થઇ ગયા હોવાના વીડિયો આવી રહ્યા છે, ભારતમાં ઊંચો રિકવરી રેટ અને ઓછો મૃત્યુદર જળવાઇ રહ્યો છે તેની સ્થિતિ હવે બગડવી ના જોઇએ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકડાઉનનો અંત આવી ગયો છે પરંતુ હજુ કોરોના વાયરસનો અંત આવ્યો નથી. કોરોના વાયરસ વિરૂદ્ધ આપણે એક લાંબી લડાઇ લડી છે. તેમણે કહ્યું કે, આગામી તહેવારો પહેલા લોકોને સાવચેતી રાખવા સહિતના નિયમોનું પાલન કરવાની જરૂર છે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, ભારતે સારો રિકવરી રેટ અને ઓછો મૃત્યુદર જાળવી રાખ્યો છે. તેને હવે બગડવા ના દઇએ. તેમણે કહ્યું કે યાદ રાખો, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી કોરોના ગયો એમ માની શકાય નહીં. આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ છતાં આગળ વધી રહ્યા છીએ પણ થોડી બેદરકારી આપણી ગતિને રોકી શકે છે, આપણી ખુશીઓને ઠેસ પહોંચાડી શકે છે. જીવનની જવાબદારીઓ નિભાવવી અને તકેદારી રાખશો તો બન્નેના લીધે જ જીવનમાં ખુશી જળવાઈ રહેશે. બે મિટરનું અંતર, સમયાંતરે સાબુથી હાથ ધોવા અને માસ્ક પહેરવાનું ચૂકશો નહીં.
વડાપ્રધાને કહ્યું કે વર્ષો પછી આપણે એ જોઇ રહ્યા છીએ કે માનવતા બચાવવા યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. ઘણા દેશો આ માટે કામ કરી રહ્યા છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સિન માટે સખત મહેનત કરી રહ્યા છે. ભારતમાં હાલમાં અનેક કોરોના વેક્સિન પર કામ ચાલું છે. તેમાંથી કેટલિક એડવાન્સડ સ્ટેજ પર છે. જ્યારે પણ કોરોનાની રસી આવશે ત્યારે સરકાર દરેક ભારતીયને વહેલી તકે કેવી રીતે પહોંચાડી શકાય તેની તૈયારી પણ કરી રહી છે. રસી દરેક નાગરિક સુધી પહોંચે એ માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જો તમે બેદરકારી દાખવશો, માસ્ક વિના બહાર નિકળશો, તો પછી તમે તમારી જાતને, તમારા પરિવારને, તમારા પરિવારના બાળકો, વડીલોને મુશ્કેલીમાં મૂકી શકો છો. ધ્યાનમાં રાખો આજે અમેરિકા હોય કે યુરોપના અન્ય દેશો, આ દેશોમાં કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા હતા, પરંતુ અચાનક ફરીથી તે વધવા લાગ્યા. સફળતા ન મળે ત્યાં સુધી બેદરકારી દાખવશો નહીં. જ્યાં સુધી આ રોગચાળાની વેક્સિન ન આવે ત્યાં સુધી આપણે કોરોના સાથેની લડતને નબળી પડવા ન દેવી જોઈએ.
તેમણે કહ્યું કે સેવા પરમો ધર્મના મંત્રને અનુસરીનેઃ આપણા ડોકટરો, નર્સો અને આરોગ્ય કાર્યકરો નિસ્વાર્થ રીતે આટલી મોટી વસતીની સેવા કરી રહ્યા છે. આ બધા પ્રયત્નો વચ્ચે, આ સમય બેદરકારી દાખવવાનો નથી. એવી ધારણા યોગ્ય નથી કે કોરોના ચાલ્યો ગયો છે, અથવા હવે કોરોના તરફથી કોઈ ભય નથી. હાલનાં સમયમાં, આપણે બધાંએ ઘણા ફોટા, વીડિયો જોયા છે જેમાં સ્પષ્ટ છે કે ઘણા લોકોએ હવે સાવચેતી રાખવાનું બંધ કરી દીધું છે. જે બરાબર નથી. તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે લોકડાઉન ભલે ગયું હોય છતાં વાયરસ ગયો નથી. છેલ્લા ૭-૮ મહિનામાં, દરેક ભારતીયના પ્રયત્નોથી, ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે જે કથળવા ન દેવી જોઈએ. આજે દેશમાં રિકવરી દર સારો છે, મૃત્યુદર ઓછો છે. ભારત વિશ્વના સંસાધન સમૃદ્ધ દેશો કરતાં વધુ અને વધુ નાગરિકોના જીવન બચાવવામાં સફળ થઈ રહ્યું છે. કોવિડ રોગચાળા સામેની લડતમાં ટેસ્ટની વધતી સંખ્યા એક મોટી શક્તિ રહી છે. તેમણે કહ્યું કે કોરોના સામેની લડતમાં જનતા કર્ફ્‌યુથી લઈને આજ સુધી આપણે ભારતીયોએ ઘણી લાંબી સફર પાર કરી છે. સમયની સાથે આર્થિક પ્રવૃત્તિઓની પણ ગતિ વધી રહી છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણી જવાબદારીઓ નિભાવવા, જીવનને ફરીથી ગતિ આપવા માટે દરરોજ ઘરની બહાર નીકળી રહ્યા છીએ. તહેવારોની આ સીઝન ધીરે ધીરે બજારોમાં પણ પાછી ફરી રહી છે. પરંતુ કોરોના વાયરસ જતો રહ્યો તેમ માનીને આપણએ બેદરકાર બનવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અનેક દેશો એવા છે જ્યાં કેસો ઓછા થયા હતા અને હવે ફરીથી અચાનક ઉછાળો થયો છે. આપણે વેક્સિન ના આવે ત્યાં સુધી સાવચેત રહેવું પડશે.