અમદાવાદ, તા.ર૩
ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસો વધતાં છ જિલ્લાઓમાં લોકડાઉનનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. ૫રંતુ જનતા નિયમનું પાલન કરતી ન હોઈ રસ્તા પર ઉતરી આવી હતી. પોલીસે પહેલાં આ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ અંતે ન સમજતાં તેઓની ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરામાં લોકોનાં વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. તો અમદાવાદ અને રાજકોટમાં ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ અહીં લોકડાઉન જાહેર કર્યું છે. પણ અમુક લોકો વાયરસની ગંભીરતા ન સમજતાં રસ્તા પર ફરવા નીકળી પડ્યા હતા. કામ વગર રસ્તા પર ફરતાં આવાં વાહનચાલકોને પોલીસે પહેલાં સમજાવ્યા હતા. પણ દંડથી જ સમજતી પ્રજા વાતથી ન સમજે તેમ પોલીસે આકરી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.
વડોદરામાં પોલીસે ૬૫૦ લોકોનાં વાહનો ડિટેઈન કર્યા હતા. અને નાગરિકોને બહાર ન આવવા માટે અપીલ કરી હતી. તો અમદાવાદમાં પણ અમુક જગ્યાએ બહાર નીકળેલાં લોકોને ઉઠક-બેઠક કરાવી હતી, તો તેઓને તડકામાં ઉભા રહેવાની આકરી સજા પણ આપવામાં આવી હતી. તો રાજકોટમાં પણ બહાર નીકળેલાં વાહનચાલકોને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી.