અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં હાલ લોકડાઉનને કારણે લોકો પોતપોતાના ઘરોમાં કેદ છે. ધાર્મિક સ્થાનો બંધ છે. ખાસ કરીને મુસ્લિમોનો પવિત્ર રમઝાન ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે ઈદની નમાઝ અદા કરવી કે કેમ ? અને કઈ રીતે ? તે પ્રશ્ન દરેક મુસલમાનના મનમાં ઘોળાઈ રહ્યો છે. આથી ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકીએ દેશના પ્રમુખ ખ્યાતનામ મુફ્તીઓ ખાસ કરીને શૈખુલ ઈસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની અશરફી કિછોછબિયુલ જીલાની તથા હઝરત મુફ્તી નિઝામુદ્દીન રઝવી બરકાતી (શૈખુલ હદીષ, અલ જમિયતુલ અશરફિયા મુબારકપુર) સહિતના ઓલમાઓ સાથે ચર્ચા વિચારણા કરી ઈદના દિવસે શું કરવું તે અંગે એક વીડિયો સંદેશ જારી કર્યો છે.
અહમદાબાદની શાહી જામા મસ્જિદના ખતીબો ઈમામ મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકીએ એક વીડિયો સંદેશો પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત ચાંદ કમિટીએ ઈદની નમાઝ માટે પરમિશન માંગી હતી પરંતુ હાલની પરિસ્થતિને ધ્યાનમાં રાખી પરમિશન ન મળતા હવે તમામ મુસલમાનો પર આવી હાલતમાં ઈદની નમાઝ હાલ વાજીબ નથી. આથી સરકાર તરફથી જેટલા લોકોને મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરવા મંજૂરી છે. તેટલા લોકો મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરે. બાકીના મુસલમાનો માયૂસ ન થાય. તેઓ ઘરે નફલ નમાઝ અદા કરી શકે છે.
મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકીએ વધુમાં જણાવ્યું છે કે, આપણા પ્યારા આકા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદની નમાઝ અદા કર્યા બાદ શુકરાના તરીકે બે રકાત નફલ નમાઝ અદા કરતા હતા. આ સુન્નત વર્ષોથી મુર્દા થઈ ગઈ હતી. આથી હાલ મુસલમાનો માટે આ સુન્નતને ફરી જીંદા કરવાનો શ્રેષ્ઠ મોકો છે. આ માટેની રીત એ છે કે, સૂરજ ઊગ્યાના ૨૦ મિનિટ બાદ અને ઝવાલથી પહેલાં ઘરના તમામ સભ્યો મર્દ, ઔરત મળી ૨ રકાત શુકરાના નમાઝ અદા કરે. નમાઝ અદા કર્યા બાદ તમામ સભ્યો બુંલદ અવાજથી “અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લાઈલાહા ઈલ્લલ્લાહો, વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર વલિલ્લાહીલ હમ્દ”નો ઝિક્ર ૩૪ વાર પઢે. ઈદની નમાઝ પણ શુકરાના માટે જ અદા કરવામાં આવે છે. આથી મુસલમાનો (મજબૂરીની હાલતમાં જો આ બે રકાત શુકરાના પઢી લેશે તો અલ્લાહત્આલા ઈદની નમાઝનો સવાબ અતા કરશે અને આ સુન્નતને જીંદા કરવાની નિય્યત સામેલ કરશો તો બેવડો સવાબ પામશે.
લોકડાઉન જેવી મજબૂરીની હાલતમાં મુસલમાનોએ ઈદના પવિત્ર દિવસે કઈ રીતે નમાઝ અદા કરવી ?

Recent Comments