(એજન્સી)

નવી દિલ્હી, તા. ૧૯

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમિયાન નોકરિયાત લોકો પર સૌથી ખરાબ અસર પડી છે. એક અંદાજ પ્રમાણે એપ્રિલથી જુલાઇ માસ દરમિયાન ૨.૬૭ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. ભારતીય અર્થવ્યવસ્થા દેખરેખ કેન્દ્ર(સીએમઆઇઆઇ) એ પોતાના એક રિપોર્ટમા આ અંગેનો દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, એપ્રિલમાં ૧.૭૭ કરોડ લોકોએ નોકરીઓ ગુમાવવી પડી છે ત્યારબાદ મેમાં એક લાખ બીજા લોકોની નોકરીઓ જતી રહી હતી. આ જ રીતે જૂનમાં ૩૯ લાખ લોકોની નોકરીઓ ગઇ હતી અને જુલાઇમાં ફરી એકવાર ૫૦ લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. સીએમઆઇઆઇએ જણાવ્યું કે, વેતનભોગી નોકરીઓ સરળતાથી છૂટતી નથી અને એકવાર નોકરી છૂટી જાય તો ફરીવાર નોકરી મેળવવું કઠિન બને છે. આથી આટલી મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ જવી મોટી ચિંતાની વાત છે. વર્ષ ૨૦૧૯-૨૦માં જ વેતનિક નોકરીઓ પોતાની સરેરાશથી આશરે ૧.૯૦ કરોડ ઓછી હતી. પાછલા નાણાકીય વર્ષમાં આ સંખ્યા પોતાના સ્તરથી ૨૨ ટકા ઓછી હતી. સંસ્થાએ જોકે, કહ્યું કે, અનઔપચારિક અને બિનવેતનિક નોકરીઓમાં આ સમયગાળામાં સુધારો થયો છે અને જુલાઇમાં આ ક્ષેત્રોમાં નોકરીઓની સંખ્યા વધીને ૩૨.૫૬ કરોડ થઇ ગઇ છે જે પાછલા વર્ષે ૩૧.૭૬ કરોડ હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, નાના વેપારીઓ, ફેરીવાળા અને દાડિયા મજૂરોને એપ્રિલમાં લોકડાઉનમાં ભારે નુકસાન થયું છે. આ ક્ષેત્રમાં ૧૨.૧૫ કરોડ રોજગારમાં ૯.૧૨ કરોડ લોકોને નુકસાન થયું છે જેઓ આ ક્ષેત્રે રોજગાર મેળવી રહ્યા હતા.રોજગારની શ્રેણીમાં આ ક્ષેત્રે કુલ રોજગારનો ૩૨ ટકા ભાગ છે પણ એપ્રિલમાં આ ક્ષેત્રે ૭૫ ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ ક્ષેત્રો રોજગાર મેળવી રહેલા મોટી સંખ્યામાં લોકોએ પોતાની આજીવિકાના સ્ત્રોત પણ ગુમાવી દીધા હતા.  એપ્રિલમાં આ ક્ષેત્રમાં ગુમાવેલી ૯.૧૨ કરોડ નોકરીઓમાંથી મેમાં ૧.૪૪ કરોડ નોકરીઓ પાછી મળી હતી. આ રીતે જૂનમાં ૪.૪૫ કરોડ અને જુલાઇમાં ૨.૨૫ કરોડ લોકોને રોજગાર પરત મળ્યો હતો પરંતુ હજુ પણ ૬૮ લાખ લોકોને પોતાનો ગુમાવેલો રોજગાર મળ્યો નથી.