(એજન્સી) નવી દિલ્હી, તા.ર
વિરોધ પક્ષોના ઘણા નેતાઓએ લોકડાઉન દરમ્યાન ધરપકડોનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરૂદ્ધ દેખાવો કરનારા ઘણા વિદ્યાર્થીઓ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી. રાજાએ જણાવ્યું હતું કે, આ સરકારનો વિરોધ કરવા એક સંયુક્ત રાજકીય ઝુંબેશ ચલાવવાની જરૂર છે. દિલ્હી પોલીસ જે કઈ કરી રહી છે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારવી જોઈએ. કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને જણાવ્યું હતું કે, હાલ અમેરિકાની તમામ શેરીઓમાં દેખાવો થઈ રહ્યા છે અશ્વેત સામે પોલીસની બર્બરતા સામે દેખાવો થઈ રહ્યા છે. આ ધરપકડો સામે લોકશાહીમાં વિશ્વાસ ધરાવનારા લોકોએ એક થવું જ પડશે.
એનસીપીના નેતા માજીદ મેમણે દિલ્હી રમખાણો માટે જવાબદાર ઉશ્કેરણીજનક ભાષણો કરનારા ભાજપના નેતાઓની સામે પોલીસે શા માટે ફરિયાદ નોંધી નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. રાજદના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું હતું કે, આપણે આ કાર્યકરોને સંદેશો મોકલવાની જરૂર છે કે તમારી લડત બંધારણીય છે.