(એજન્સી) તા.ર૬
એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં ભારતીય રેલવે બોર્ડે ૧ જુલાઈથી ૧ર ઓગસ્ટ દરમિયાન બધી મેઈલ, એકસપ્રેસ અને યાત્રી સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાની વચ્ચે આ નિર્ણય લવામાં આવ્યો હતો. પાંચ લાખથી વધુ કેસો અને ૧પ,૦૦૦ જેટલા મૃત્યુઓ સાથે ભારત વિશ્વમાં કોવિડ-૧૯થી સૌથી વધુ પ્રભાવિત થયેલો દેશ બનવા જઈ રહ્યો છે. સૂત્રોને ટાંકીને સત્તાવાર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, દેશમાં વધતા જતાં કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ ૧ જુલાઈથી ટ્રેન સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, રાજધાની રૂટ પર ચાલતી ટ્રેનો અને શ્રમિકો માટે ચાલતી ટ્રેનો સહિત બધી વિશેષ ટ્રેનોને ચાલુ રાખવામાં આવશે. રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ૧-૭-ર૦થી ૧ર-૮-ર૦ દરમિયાન ટ્રેનની મુસાફરી માટે બુક કરવામાં આવેલી બધી ટિકિટો બધી કેન્સલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં સંપૂર્ણ પૈસા પરત આપવામાં આવશે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ ફકત ચાર કલાકની નોટિસ સાથે ભારતભરમાં સૌથી કડક લોકડાઉન લાગુ કર્યો હતો. વડાપ્રધાન મોદી અને મીડિયામાં રહેલા તેમના સમર્થકોની દલીલ હતી કે, કોરોના વાયરસના કેસોની સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે આ લોકડાઉન જરૂરી હતો પરંતુ સરકારે ર૪ માર્ચે લોકડાઉન જાહેર કર્યો ત્યારબાદ પણ પોઝિટિવ કેસોની સંખ્યા અને મૃત્યુદર સતત વધી રહ્યો છે. દેશના અર્થતંત્ર પર આ લોકડાઉનની વિનાશક અસર થઈ હતી. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે પણ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ૪.પ ટકા આંક્યો હતો.