(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
રાજયમાં કોરોનાના કારણે લદાયેલા લોકડાઉન બાદ લાખો લોકોએ નોકરી ગુમાવી છે તો ધંધા-રોજગાર ઠપ થતા લાખો લોકો બેકાર બન્યા છે. અર્થતંત્ર પર પણ કોરોના અને લોકડાઉનનું ગ્રહણ લાગતા ચારથી પાંચ વર્ષ સુધી ગાડી પાટે ચડે તેવું લાગતું નથી આથી આર્થિક ભીંસમાં આવી ગયેલા લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. રાજયમાં છેલ્લા ૧પ દિવસમાં રપથી વધુ લોકોએ આત્મહત્યા કે આપઘાત કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે.
તાજેતરમાં અમદાવાદના વટવા જીઆઈડીસી હાથીજણ સર્કલ નજીક પ્રયોશા રેસિડેન્સીમાં રહેતા બે ભાઈઓએ તેમના ચાર બાળકો સાથે મળી સામૂહિક આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યા હતા. પોલીસે આત્મહત્યા પાછળ આર્થિક કારણ હોવાનું અનુમાન લગાવ્યું છે. એ જ રીતે રાજકોટમાં હીરેન રાઠોડ નામના યુવાને લોકડાઉન બાદ ધંધો ન જામતા ડિપ્રેશનમાં આવી જઈ પોતાની ભાડાની સલૂનમાં જ આત્મહત્યા કરી હતી. એ જ રીતે રાજકોટના જ જામનગર રોડ પર રહેલા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી શહેર પોલીસ કમિશનરની કચેરીએ જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગત મહિને જામખંભાળિયાના એક ઉદ્યોગપતિએ પોતાની મિલમાં જ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. જયારે બે દિવસ બાદ જ જામનગરના લાલપુરના રાસંગપર ગામે ૪ર વર્ષની મહિલાએ આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી તો જૂનાગઢના માંગરોળના ઓસાધેડ ગામના ખેડૂતે આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી જઈ જીવન ટૂંકાવ્યું હતું. ખેડૂતના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઈડ નોટમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
રાજયમાં વધતા જતા આત્મહત્યાના બનાવોના કારણ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ મોટા ભાગના આત્મહત્યાના બનાવો પાછળ આર્થિક કારણ જવાબદાર છે. લોકડાઉનને કારણે કરોડો લોકો ધંધા-રોજગાર વિના બેકાર બન્યા છે લાખો લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની નીતિ જોતા પાંચેક વર્ષ સુધી તો અર્થતંત્રની ગાડી પાટે ચડે તેમ જણાતું નથી. આની જગ્યાએ ડો. મનમોહનસિંહની સરકાર હોત તો પરિસ્થિતિ આટલી ગંભીર ન બનવા દેત કારણ કે તેઓ પોતે વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી છે. વૈશ્વિક મંદીના સમયમાં પણ તેમણે દેશને આંચ આવવા દીધી ન હતી. ખુદ વિરોધીઓ પણ અંદરખાને આ વાત સ્વીકારે છે ત્યારે જો આત્મહત્યાના બનાવો બનતા રોકવા હોય અને પ્રજાને ડિપ્રેશનમાંથી બહાર લાવવી હોય તો વધુમાં વધુ લોકોને રોજગારી પુરી પાડવી જોઈએ. માંદા કે બંધ પડેલા નાના ઉદ્યોગોને આર્થિક પેકેજ દ્વારા બચાવી લેવા જોઈએ. ધારાસભ્યોને ખરીદવામાં નાણાનો બગાડ કરવા કરતા પ્રજા કલ્યાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો જ દેશનું અને રાજયનું ભલું થશે.

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના
ખાતામાં દર મહિને રૂા.૭પ૦૦ જમા કરાવો

લોકડાઉનને કારણે કરોડો લોકો બેકાર બન્યા છે ત્યારે લોકોને ધંધા-રોજગાર કે નોકરી મળતા એકાદ વર્ષ તો લાગી જ જશે આથી સરકારે ન્યાય યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ખાતામાં ઓછામાં ઓછા છ મહિના સુધી દર મહિને રૂા.૭પ૦૦ લેખે રકમ જમા કરાવવી જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે જો અર્થતંત્રની ગાડી પાટે ચડાવવી હોય તો પહેલા પ્રજાના હાથમાં રોકડ આપવી જોઈએ તો જ ધીમે ધીમે ધંધા-રોજગારમાં તેજી આવશે.