નવી દિલ્હી,તા.૨૩
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના પ્રશંસકો માટે સારા સમાચાર છે. દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન ભલે જુલાઇ પછી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ના હોય પણ માહી મેદાનમાં ઉતરવા માટે આતુર જોવા મળી રહ્યો છે. આઈપીએલની ૧૩મી સિઝન કોરોના વાયરસના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પછી હવે ધોની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટમાં રમે તે વાત જોર પકડી રહી છે. ધોનીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની પોતાની ઇચ્છા વિશે ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન સાથે વાત કરી છે. જે અંતર્ગત લોકડાઉન ખતમ થયા પછી નિર્ણય લઈ શકે છે. ઝારખંડ ક્રિકેટ એસોસિયેશનના એક અધિકારીએ સ્પોટ્‌ર્સકીડાને બતાવ્યું કેધોની હાલ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના ઇન્ટરનેશનલ કોમ્પલેક્સમાં ટ્રેનિંગ કરી રહ્યો છે અને તે સતત રાજ્ય અસોસિયેશન સાથે સંપર્કમાં છે. ૩૮ વર્ષના ધોનીએ ૨૦૦૭માં સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે તે ઝારખંડ તરફથી ચાર મેચ રમ્યો હતો. જેમાં ૬૧.૫૦ની એવરેજથી ૧૨૩ રન બનાવ્યા હતા.