(એજન્સી) ટાંડા, તા.ર૦
લોકડાઉન દરમિયાન બહાર નીકળવા બદલ યુપી પોલીસની મારપીટનો ભોગ બનેલા રર વર્ષીય રિઝવાન અહેમદનું શનિવારે મૃત્યુ થયું હતું. આંબેડકરનગર જિલ્લાના ટાંડા નગરનો રહેવાસી દૈનિક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો તે જ્યારે ઘરેલુ જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર નીકળ્યો ત્યારે પોલીસે તેને નિર્દયતાથી ફટકાર્યો હતો. લોકડાઉનના ભયને કારણે પરિવારે શરૂઆતમાં રિઝવાનને ઘરે સારવાર આપી હતી પરંતુ તેની સ્થિતિ બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પિતા ઈસરાઈલે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે બે વાગે તેનું મૃત્યુ થયું હતું. તેના પિતાએ આ અંગે ફરિયાદ દાખલ કરી છે. ઈસરાઈલે કહ્યું હતું કે, જ્યારે રિઝવાન સ્થાનિક પોસ્ટ ઓફિસ પહોંચ્યો ત્યારે એક મહિલા ઈન્સ્પેકટર અને કેટલાક કોન્સ્ટેબલોએ તેને રોકયો હતો. એડિશનલ એસપી અવધેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવવાનું બાકી છે, પોલીસ સામે થયેલા આક્ષેપોની તપાસ થશે.