(એજન્સી) મુંબઇ, તા. ૩૦
અભિનેતા ઋષિ કપૂરની દિકરી રિધ્ધિમા કપૂર સાહનીને દેશવ્યાપી કોરોના લોકડાઉન વચ્ચે પિતાના અંતિમ સંસ્કાર માટે મુંંબઇ માટે બાય રોડ પ્રવાસ કરવાની મંજૂરી અપાઇ છે. ઉદ્યોગપતિ સાથે લગ્ન કરીને દિલ્હીમાં રહેતી ૩૯ વર્ષની રિધ્ધિમાએ બુધવારની રાત્રે જ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા મુંબઇ જવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરવાનગી માગી હતી. ત્યારે તેમને કહેવાયું હતું કે, ઉડ્ડયન દ્વારા જવા માટે માત્ર અમિત શાહ જ પરવાનગી આપે છે. અન્ય વિકલ્પ તરીકે તેને પાંચ લોકોના ગ્રૂપમાં બાય રોડ આવવા માટે મંજૂરી અપાઇ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, બુધવારે રાત્રે તેણે મંજૂરી માગી હતી અને અમે મિનિટોમાં જ તેની મંજૂરી અપાવી હતી. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ હંમેશા મંજૂરી આપે છે. તેઓ હવે રોડ દ્વારા પ્રવાસ કરી શકે છે અને તેમને ૧૪૦૦ કિલોમીટરનો અંતર કાપવામાં આશરે ૨૪ કલાકનો સમય થશે.