(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, ૪ મે બાદ દેશવ્યાપી લોકડાઉનમાં વધુ બે અઠવાડિયાનો વધારો કરવામાં આવ્યોે છે જેમાં નોંધવામાં આવ્યું છે કે, કોરોના વાયરસને ધીમો પાડવાની ભારતની લડાઇમાં છ અઠવાડિયાની તાળાબંધીથી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. લોકડાઉનનો બીજો તબક્કો ૩ મે સુધી ચાલુ રહેવાનો હતો જેને સરકારે બીજા બે અઠવાડિયા સુધી વધારી દીધો છે. હવે ૧૭મી મે સુધી આ લોકડાઉન જારી રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના વાયરસ અંગે સ્થિતિની વ્યાપક સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, મંત્રાલયે ૪ મેથી બે અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનો આદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગત જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનનો પ્રથમ તબક્કો ૨૫મી માર્ચથી ૧૪મી એપ્રિલ સુધી હતો. જેને બાદમાં વધારીને ત્રણ મે સુધી કરવામાં આવ્યો હતો. લોકડાઉનના નવા દિશા નિર્દેશો અંતર્ગત હજુ પણ કેટલીક ગતિવિધિઓ પર રોક રહેશે. લોકડાઉનની વધારેલી મર્યાદા દરમિયાન વિમાન, રેલવે, મેટ્રોથી પ્રવાસ અને રોડ માર્ગથી આંતરરાજ્ય અવર જવર તથા સ્કૂલ અને કોલેજો હજુ પણ બંધ રહેશે. મંત્રાલયે કહ્યું છે કે, શુક્રવાર સુધી દેશમાં કોરોનાના ૩૫,૩૬૫ કેસો થયા છે અને તેમાં ૧૧૫૨ લોકોના મોત થયા છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં જરૂરી સેવા સિવાયની તમામ પ્રવૃત્તિ હજુ પણ બંધ રહેશે. સૌથી મોટા શહેરો જેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લુરૂ, ચેન્નાઇ અને અમદાવાદને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ શહેરો હજુ પણ લોકડાઉનમાં રહેશે. દરમિયાન ગ્રીન તથા ઓરેન્જ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવશે. જોકે, ૨૫મી માર્ચ સુધી આકરા પ્રતિબંધ ચાલુ રહેશે.
લોકડાઉન અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મંત્રાલયની નવી ગાઇડલાઇનમાં કહેવાયું છે કે, લોકોની સ્વસ્થતા અને સુરક્ષા માટે જરૂરી કારણો સિવાય સાંજે ૭ વાગ્યાથી સવારે ૭ વાગ્યા વચ્ચે અવર જવર બંધ રહેશે. જે લોકો ૬૫ વર્ષથી ઉપરના છે, અન્ય રોગોથી પીડાતા હોય, ગર્ભવતી મહિલા અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું.
૨. વિમાન, રેલવે, મેટ્રો અને રોડ માર્ગ દ્વારા આંતરરાજ્ય અવર જવર પર હજુ પણ પ્રતિબંધ રહેશે. શાળા, કોલેજો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્‌સ, સિનેમા હોલ, મોલ, શોપિંગ સેન્ટર, જીમ અને સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ પણ નવા આદેશ સુધી બંધ રહેશે. અત્યારે સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડા પણ ચાલુ રહી શકશે નહીં.
૩. પાસો વિના પણ રાજ્યો વચ્ચે સામાનની ગાડીઓ ચાલી શકશે. વિમાની, રેલવે અને માર્ગ દ્વારા પ્રવાસ ખાસ પરવાનગી વિના કરી શકાશે નહીં.
૪. રેડ ઝોનમાં કારમાં ડ્રાઇવર સહિત બે જ વ્યક્તિ તથા ટુ વ્હીલર પર એક જ વ્યક્તિને જવાની પરવાનગી મળશે. ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી અને બિનજરૂરી સામાનની એકલ દોકલ દુકાનો ચાલુ રાખી શકાશે, જરૂરી સામાન માટેના ઇ-કોમર્સ પણ ચાલુ રહી શકશે.
૫. ખાનગી ઓફિસો ૩૩ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રહી શકશે જ્યારે અન્ય કર્મીઓ ઘરેથી કામ કરશે.
૬. બેંકો, જાહેર સુવિધાઓ જેવી કે વિજળી, પાણી, સાફસફાઇ, વેસ્ટ મેનેજમેન્ટ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ઇન્ટરનેટ ચાલુ રહેશે આ ઉપરાંત કુરિયર અને પોસ્ટલ સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી અપાઇ છે.
૭. મીડિયા, આઇટી, આઇટી સંલગ્ન સેવાઓ, ડેટા અને કોલ સેન્ટર્સ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગ સેવાઓ, પ્રાઇવેટ સિક્યુરિટી, પ્લમ્બર અને ઇલેકટ્રીશિયનને મંજૂરી મળશે જ્યારે વાળંદના કામને હજુ પણ મંજૂરી અપાશે નહીં.
૮. જો રાજ્યો ઇચ્છે તો દારૂ, ગુટખા, પાન અને તંબાકુ વેચતી દુકાનાનેે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પરવાનગી અપાશે પરંતુ તેમણે બે મીટર અંતરનો નિયમ પાળવો પડશે આ ઉપરાંત આવી દુકાનો પર પાંચથી વધુ વ્યક્તિ ભેગા થવા જોઇએ નહીં.
૯. ઓરેન્જ ઝોનમાં ટેક્ષી, કેબને એક પેસેન્જર સાથેની પરવાનગી અપાશે. કારોમાં ડ્રાઇવર સાથે બે પેસેન્જર હોવા જોઇએ અને એક ટુ વ્હીલર પર રાઇડર સિવાય બીજી વ્યક્તિ ના હોવી જોઇએ.
૧૦. ગ્રીન ઝોનમાં દેશમાં પ્રતિબંધિત કરાયેલા કામો સિવાય તમામ પ્રવૃત્તિ ચાલુ કરી શકાશે પરંતુ આ વિસ્તારોમાં બસોને અડધી સીટોમાં પેસેન્જર બેસાડવાની પરવાનગી અપાશે.

કોરોના વાયરસ : લૉક્ડાઉન ૩ કઈ છૂટ મળશે અને કઈ નહીં

કોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ ૩ મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે ૧૭ મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે. ભારતમાં હવે કુલ ૫૬ દિવસનું લોકડાઉન થયું છે. દેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉનની બીજી મુદ્દત આગામી ૩ મેના રોજ પૂર્ણ થાય એ પહેલાં ગૃહ મંત્રાલયે વધુ બે અઠવાડિયાનો વધારો જાહેર કરી દીધો છે. દેશભરમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને રોકવા અને ખાસ તો અત્યાર સુધી લોકડાઉનના ચુસ્ત પાલન વડે મેળવેલ ફળશ્રુતિને આગળ વધારવા લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. આ અંગે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા પણ જાહેર કરશે. આગામી બે સપ્તાહ સુધી રેલ વ્યવહાર, બસ સેવા, મેટ્રો, હવાઇ સેવા (ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક) બંધ રહેશે. આ સિવાય સ્કૂલ, કોલેજ, મોલ પણ બંધ રહેશે. અગાઉ રાજ્ય સરકારોએ નક્કી કરેલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારોમાં આંશિક છૂટછાટો મળી શકે છે. ક્લસ્ટર એરિયામાં જોકે લોકડાઉનનું પૂરી સખ્તાઈથી પાલન કરવામાં આવશે. લોકડાઉનની અવધિ લંબાવવામાં આવતાં હવાઈ સેવા, જાહેર પરિવહન અને રેલવે સેવા સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.