(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદી ૨૧ દિવસના લોકડાઉન બાદ ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન વધારવા અંગે રાજ્યોની વિનંતી સાથે સહમત થયા હતા. વીડિયો કોન્ફરન્સ પીએમ મોદીએ કહ્યું કે, આપણું ધ્યાન‘જાન ભી જહાન ભી’ પર હોવું જોઇએ અને તે ઉજ્જવળ ભવિષ્ય તથા સમૃદ્ધ અને સ્વસ્થ ભારત માટે જરૂરી છે. લોકડાઉનની જાહેરાત કરતા પહેલા મેં કહ્યું હતું કે, જાન હૈ તો જહાન હૈ આ વાત પર દેશના તમામ લોકોએ પોતાની જવાબદારી નિભાવી હતી અને ઘરમાં જ રહ્યા છે. હવે આ બંને બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે કે જાન ભી જહાન ભી, આ ભારતના ઉજ્જવળ ભવિષ્ય તથા સમૃદ્ધિ અને સ્વસ્થતા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કર્યા બાદ સૂત્રો અનુસાર ૧૪મી એપ્રિલ પછી વધુ બે અઠવાડિયા સુધી દેશવ્યાપી લોકડાઉન લંબાવવા માટે લગભગ તમામ રાજ્યો દ્વારા કરાયેલા સૂચનો પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. કોરોના મહામારીને ડામવા સમગ્ર ભારત ૨૧ દિવસના લોકડાઉનમાં બંધ છે અને ૧૪ એપ્રિલના રોજ તેની મુદત પૂરી થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજીને લોકડાઉનમાં વધારા અંગે તેમના સૂચનો માંગ્યા હતા. લગભગ તમામ મુખ્યમંત્રીઓએ કોરોના રોગચાળાના કેસોમાં સતત થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનને ૩૦ એપ્રિલ સુધી લોકડાઉનમાં વધારો કરવાનું સૂચવ્યું હતું. જો કે, ઓરિસ્સા અને પંજાબે શુક્રવારે જ લોકડાઉનની સમય મર્યાદા ૩૦ એપ્રિલ સુધી લંબાવી દીધી હતી. વડાપ્રધાન મોદી દેશને વિશ્વાસમાં લેવા આવતીકાલે ૧૨મીએ કે રવિવારે રાત્રે ફરીથી રાષ્ટ્ર જોગ સંબોધન કરીને લોકડાઉન વધારવા અંગેની જાહેરાત કરી શકે તેમ છે. આજની આ વિડિયો બેઠકમાં કેટલાક રાજ્યોએ કોરોના સામે લડવા ટેસ્ટીંગ કીટ, જરૂરી ઉપકરણ(પીપીઇ) સહિત અન્ય માંગણીઓ પણ વડાપ્રધાન સમક્ષ રજૂ કરી હતી. મોદીએ રાજ્યોને ખાતરી આપી હતી કે તઓ ચોવીસે કલાક ઉપલબ્ધ હોય છે તેથી જે ચીજવસ્તુઓની જરૂર હોય તેની યાદી અમને મોકલાશે તો તરત જ તેની વ્યવસ્થા કરાશે.
સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગથી ત્રીજી વખત વાત કરી હતી અને સામાન્ય લોકોને કોરોનાથી જાગૃત કરવા માટે પોતે માસ્ક લગાવીને વિડિયો કોન્ફરન્સ (વીસી) પર ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી મુખ્યત્વે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉન અંગે પોતાનો પ્રતિસાદ લેવાના સંકેતો વચ્ચે શટડાઉનને અમુક મુક્તિઓ સાથે વધારી શકાય તેવા સંકેતો આપ્યા હતા. વડા પ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને ખાતરી આપી હતી કે રાજ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો પર વિચાર કરવામાં આવશે. આ વીસી બેઠકમાં મુખ્યમંત્રીઓમાં અમરિંદરસિંહ (પંજાબ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), કે ચંદ્રશેખર રાવ (તેલંગાણા) અને નીતીશ કુમાર (બિહાર) શામેલ હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન મોદી સાથેની તેમની વીડિયો કોન્ફરન્સમાં ભારતભરમાં ૩૦ એપ્રિલ સુધીમાં લોકડાઉન વધારવાનું સૂચન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકારો પાસેથી વિવિધ પાસાઓ પર અભિપ્રાય માંગ્યા છે, જેમાં વધુ લોકોને અને સેવાઓમાંથી મુક્તિ આપવી જોઇએ કે કેમ તેની માહિતીનો સમાવેશ થાય છે.
સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી વિડિયો કોન્ફરન્સ, એવી સંભાવના વચ્ચે આવી છે કે કેન્દ્ર સરકાર કેટલાક સંભવિત છૂટછાટ સાથે દેશવ્યાપી લોકડાઉન લંબાવી શકે છે. ઘરેલુ માસ્ક પહેરેલા મોદીએ પોતાની શરૂઆતના સંબોધનમાં કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાનો માટે ૨૪ કલાક ઉપલબ્ધ છે અને તેઓ ગમે ત્યારે તેમનો સંપર્ક કરવા સ્વતંત્ર છે. અત્યાર સુધીમાં ૧૧માંથી ૧૦ રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે લોકડાઉન ૩૦ એપ્રિલ સુધીમાં દેશભરમાં લંબાવી શકાય છે. ૧૪ એપ્રિલ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વાર દેશને સંબોધન કરી શકે છે. મોદીએ ૨૪ માર્ચે પોતાના બીજા સંબોધનમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.