(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીને કોરોના વાયરસના પ્રસારને રોકવા અને લોકોને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જાહેર કરાયેલા ત્રણ અઠવાડિયાના રાષ્ટ્રીય લોકડાઉનને કડક રીતે લાગુ કરવા જણાવ્યું હતું.
એક ટેલિફોનિક વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૪૪ અને સામાજિક અંતર હેઠળ પ્રતિબંધિત આદેશોનો કડક અમલ થવો જોઈએ.
એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને રાજ્યના વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા કોરોના વાયરસ નિવારક પગલાં વિશે મુખ્યપ્રધાન પાસે માહિતી માંગી હતી. પલાનીસ્વામીએ કોરોના વાયરસને રોકવા રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવતા પગલાઓ વિશે મોદીને વિગતવાર માહિતગાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, “લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખી સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ હેઠળના પ્રતિબંધનાત્મક હુકમોનું કડક પાલન થવું જોઈએ અને લોકોએ સામાજિક અંતર સુનિશ્ચિત કરવું જોઈએ.”
તેમણે એમ પણ કહ્યું કે, લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ. “મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે આ તમામ પાસાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવી રહ્યો છે.”
ગુરૂવારે ૩૧ માર્ચ સુધી બંધની જાહેરાત કરનાર રાજ્ય સરકારે વડાપ્રધાને જાહેર કરેલા રાષ્ટ્રીય લોકડાઉન સાથે સુમેળમાં રહેવા ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું હતું.