અમદાવાદ, તા.૧૯
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન-૪ લાગુ કરાયું છે જેમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. ખાસ કરીને પાનની દુકાન અને ગલ્લા ખોલવાને મંજૂરી અપાઈ છે જેને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં વહેલી સવારથી જ પાનની દુકાનો અને ગલ્લા પર લોકોની ભીડ જામી છે. રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અનેક કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી તો અમદાવાદમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને પાન મસાલા બીડીની ખરીદી માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. જો કે, મનમાં લોકોના હજુ પણ ગમે ત્યારે બધુ બંધ થાય તો ? તેવો ભય છે ત્યારે પાન-મસાલા, બીડી સહિતની વસ્તુઓ લોકો મોટા જથ્થામાં ખરીદી રહ્યાના પણ અહેવાલો સાંપડયા છે.
લોકડાઉન-૪માં પાન મસાલાની દુકાનો ખૂલતાં જ લોકોની ભીડ ઉમટી પડી હતી. કેટલીક જગ્યાએ કતારમાં મહિલાઓ પણ જોવા મળી હતી. જામનગરમાં અનેક જગ્યાએ લાંબી લાઈનો જોવા મળી હતી અને સામાજિક અંતરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં પણ મસાલા બીડી ખરીદવા લોકોની ભીડ ઉમટી હતી. પુરૂષોની સાથે અનેક મહિલાઓ છીંકણી લેવા માટે લાઈનમાં ઉભેલી જોવા મળી હતી. એ જ રીતે અમરેલી, રાજકોટ, સાવરકુંડલા, અમદાવાદ, પાલનપુર, સુરત, વડોદરા, ભાણવડ, જૂનાગઢ, ભાવનગર સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં મસાલા અને બીડી ખરીદવા લાંબી લાઈનો લાગી હતી જ્યાં મોટાભાગના સ્થળોએ સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નો કન્ટેનમેન્ટ ઝોનમાં પાન-મસાલાની દુકાનો અને ગલ્લા ખોલવાની છૂટ આપતાં જ તમાકુ, બીડી, સોપારી સહિતની પ્રોડક્ટનું વેચાણ કરતી એજન્સીઓ પર પણ સવારથી લાંબી લાઈનો લાગી હતી. અનેક જગ્યાએ ભીડ વધી જતાં દુકાનો બંધ કરવી પડી હતી. જો કે, મોટાભાગના સ્થળોએ ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવ્યું ન હતું. પપ દિવસ બાદ અનેક પ્રકારની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. વળી કેટલીક જગ્યાએ તો દુકાનો ખુલતાં પહેલાં જ વહેલી સવારથી દુકાનના શટર આગળથી જ લોકોએ લાંબી લાઈન લગાવી દીધી હતી. નશાના બંધાણીઓએ પપ દિવસ દરમિયાન મસાલા અને બીડી માટે વલખાં પણ માર્યા છે અને અનેક ગણા ભાવ પણ ચૂકવ્યા છે. એવી ચર્ચાઓ મસાલા, બીડી લેવા ઊભેલા લોકો વચ્ચે ચર્ચાઈ રહી હતી. જો કે, કેટલાક આ દુકાનો પણ વધુ સમય ખુલ્લી નહીં રહે તેવું લાગતાં ખરીદી કરવા ઉતાવળા બન્યા હતા.