(એજન્સી) તા.ર૭
કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે મંદિર, મસ્જિદ અને ચર્ચ ખોલવાના નિર્ણય અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ યુ-ટર્ન લીધો છે. ૩૧ મેના રોજ બધા મંદિરો, મસ્જિદો અને ચર્ચો ખોલવાના નિવેદન અંગે મુખ્યમંત્રી કાર્યાલયે એક સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર વડાપ્રધાન મોદીના નિર્ણયની રાહ જોઈ રહી છે ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ પહેલાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, અમે ૩૧ મે પછી બધા મંદિરો, મસ્જિદો અને ચર્ચો ખોલી દઈશું પરંતુ તેમણે ફકત બે કલાકમાં જ આ નિવેદન અંગે યુ-ટર્ન લીધો હતો. નોંધનીય છે કે, દેશમાં હાલ લોકડાઉનનો ચોથું ચરણ ચાલી રહ્યું છે. જે ૩૧ મેના રોજ પૂરો થશે. પરંતુ આ ચરણમાં અનેક છૂટછાટ પણ આપવામાં આવી છે.