(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
ભારતમાં હાલમાં કોરોના મહામારીનો સામનો કરવા લોકડાઇન -૪નો તબક્કો ચાલી રહ્યો છે. જે ૩૧ મે સુધી છે. એક રીતે જોતા લોકડાઉન-૪ની સમય મર્યાદા પૂરી થવામાં છે છતાં કોરોનાના કેસોમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થવાને બદલે છેલ્લાં કેટલાય દિવસોથી રોજેરોજ ૬ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે. અને કેસોની સંખ્યા દોઢલાખ સુધી પહોંચી ગઇ છે. જે જોતાં એવી અટકળો થઇ રહી છે કે સરકાર લોકડાઉન-૫નો નિર્ણય કરે તો નવાઇ નહીં. કેટલાક રાજ્યોએ લોકડાઉન ચાલુ રાખીને વધારે છૂટછાટો આપવાની માંગ કરી છે તો કેટલાકે લોકડાઉન દૂર કરવાનો મત વ્યક્ત કર્યો છે. દરમ્યાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬૩૮૭ નવા કેસ સામે આવ્યા અને ૧૭૦ લોકોનાં મોત નેંધાયા છે. લોકડાઉન-૪ આખરી હશે કે લોકડાઉન-૫ પણ અમલમાં મૂકાશે કે કેમ તેની અટકળો વચ્ચે પીએમઓ હાલમાં ચીન અને નેપાલ દ્વારા સરહદે ઉભી કરેલી તંગદીલીનો સામનો કરવાની રણનીતિમાં વ્યસ્ત છે અને એક-બે દિવસમાં જ લોકડાઉન-૫ અંગેનો નિર્ણય લેવાશે. એક અહેવાલ પ્રમાણે, દેશભરમાં ૧,૫૧,૯૭૩ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૪,૩૪૬ લોકોનાં મોત થયા છે. સાથે જ ૬૪,૨૭૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. બીજી તરફ દેશભરમાં મહારાષ્ટ્ર ૫૪,૭૫૮ સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં ૧,૭૯૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ ૧૭,૭૨૮ સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં ૧૨૮ લોકોના મોત થયા છે. ગુજરાત ૧૪,૮૨૯ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.બિહારમાં કોરોના દર્દીઓનો આંકડો ૩ હજારને પાર થયો છે. ઓરિસ્સામાં બુધવારે ૭૬ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દી ૧૫૯૩ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કુલ કેસ ૫૪૭૫૮ છે અને ૧૭૯૨ લોકોના મોત થયા છે.