(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કોરોના વાયરસના કેસો જે રીતે વધી રહ્યા છે તેને જોતાં લોકડાઉ વધારવા અંગેના કયાસ લગાવાઇ રહ્યા છે. અત્યારથી કેટલાક અહેવાલોમાં લોકડાઉન-૫ અંગે વિગતો જારી કરી દેવાઇ હતી. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આ તમામ અહેવાલો ખોટા છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લા ૨૪ કલાકનો આંકડો આપ્યો છે જે અનુસાર દેશમાં કોરોના વાયરસના ૬૩૮૭ નવા કેસો સામે આવ્યા છે અને સંક્રમણથી ૧૭૦ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કેસો વધીને ૧,૫૧,૭૬૭ પર પહોંચી ગયા છે તથા મોતને ભેટનારાઓની સંખ્યા ૪૩૩૭ થઇ ગઇ છે. ગૃહ મંત્રાલયે ટિ્‌વટ કરીને સ્પષ્ટતા કરી છે કે, લોકડાઉન-૫ને લઇને અત્યારસુધી કોઇ નિર્ણય લેવાયો નથી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, આવા સમાચારો ચલાવવા યોગ્ય નથી.આવા કોઇ અહેવાલની પુષ્ટી ગૃહ મંત્રાલય કરતું નથી અને આવું કરવું બેજવાબદારીનું કામ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, લોકડાઉન ૫.૦ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝડપથી ‘મન કી બાત’ કરે તેવી શકયતા છે. લોકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોનાથી પ્રભાવિત દેશના ૧૧ શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં વધુ છુટ અપાય તેવી શકયતા છે. સૂત્રોનું કહેવું છે કે લોકડાઉનના પાંચમાં તબક્કામાં ૧૧ શહેરો મુખ્ય હશે. જેમાં દિલ્હી, મુંબઈ, પુના, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકતા સામેલ છે. આ શહેરોમાં દેશના કુલ કોરોના કેસના ૭૦ ટકાથી વધુ કેસ છે. અમદાવાદ, દિલ્હી, પુના, કોલકતા, મુંબઈમાં તો કુલ કેસના ૬૦ ટકા દર્દીઓની પુષ્ટિ થઈ ચુકી છે. લોકડાઉનના પાંચમાં તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળોને ખોલવાની છુટ અપાય તેવી શકયતા છે. જોકે તેના માટે ચોક્કસ નિયમો અને શરતો હશે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ મેળો કે મહોત્સવ મનાવવાની છુટ હશે નહિ. સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકશે નહિ. લોકડાઉન ૫.૦ દરમિયાન તમામ ઝોનમાં સલુન અને જિમને ખોલવાની પરવાનગી મળે તેવી શકયતા છે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થિત સલુન અને જિમને ખોલવાની પરવાનગી અપાશે નહિ. આ તબક્કામાં કોઈ સ્કુલ, કોલેજ-યુનિવર્સિટીને ખોલવાની પરવાનગી આપી શકાશે નહિ. આ ઉપરાંત મોલ અને મલ્ટીપ્લેક્સને પણ બંધ રાખાય તેવી શકયતા છે. લોકડાઉનના આ તબક્કામાં લગ્ન અને અંતિમસંસ્કારમાં વધુ લોકોને સામેલ થવાની છુટ અપાય તેવી શકયતા છે. સૂત્રોએ કહ્યું હતું કે લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ કરાય તેવી શકયતા છે.