(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટને માહિતી આપી કે લોકપાલની નિમણૂકના હેતુ માટે પસંદગી કમિટીની બેઠક ૧લી માર્ચે યોજવામાં આવી છે. આ કમિટીમાં વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના સ્પીકર, સૌથી મોટા વિરોધ પક્ષના નેતા અને એક જાણીતા જજ હશે. જજની નિમણૂક રાષ્ટ્રપતિ પસંદગી કમિટીની ભલામણથી કરશે. કમિટીના વડા તરીકે વડાપ્રધાન હશે. એટર્ની જનરલે સુપ્રીમકોર્ટની બેંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું. જેમણે ડીઓપીટીના સચિવને લોકપાલની નિમણૂક બાબત શું પગલાં લીધા છે એ દર્શાવતું સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. સુપ્રીમકોર્ટે આ બાબત પમી માર્ચ સુધી સોગંદનામું દાખલ કરવા કહ્યું અને આગામી સુનાવણી ૬ઠ્ઠી માર્ચે રાખી છે. કોમન કોઝ એનજીઓ દ્વારા આ મુદ્દે અરજી દાખલ કરાઈ હતી જેની સુનાવણી સુપ્રીમકોર્ટે કરી હતી. સરકારે સુપ્રીમકોર્ટના ર૭મી એપ્રિલ ર૦૧૭ના ચુકાદાનું પાલન નહીં કરતાં એનજીઓએ સરકાર સામે કોર્ટ તિરસ્કારની અરજી દાખલ કરી હતી. સુપ્રીમકોર્ટે ચુકાદો આપી જણાવ્યું હતું કે આજની તારીખે લોકપાલ કાયદો લોકપાલની નિમણૂક કરવા માટે સક્ષમ છે. એમાં કોઈ ખામી દેખાતી નથી જેના લીધે એનો અમલ અટકાવી શકાય. કેન્દ્ર સરકારે લોકપાલની નિમણૂક માટે મુખ્ય બે અવરોધો જણાવ્યા હતા. એક અવરોધ એ હતો કે ૧૬મી લોકસભામાં કોઈ વિરોધ પક્ષનો નેતા જ નથી જેની પસંદગી કમિટીમાં નિમણૂક કરી શકાય જેથી પસંદગી કમિટી સંપૂર્ણ છે. બીજો અવરોધ જાણીતા જજના કાર્યકાળ બાબત હતો જેની નિમણૂક પસંદગી કમિટીમાં કરી શકાય. આ બન્ને અવરોધોનો ઉકેલ સૂચવતા સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, લોકપાલ કાયદામાં જોગવાઈ છે કે જો કમિટીમાં કોઈ સભ્યની જગ્યા ખાલી હશે તો એના કારણે લોકપાલ અથવા લોકાયુક્તની નિમણૂક અટકાવી શકાશે નહીં.