(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૨૦
જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢના આચાર્ય અને ડીઆઇજીપી એમ.એમ. અનારવાલાએ રાષ્ટ્રવીર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે આજે એકી સાથે ૧૩૯૭ નવપ્રશિક્ષિત મહિલા પોલીસ લોકરક્ષકોની નીશાનદાર દિક્ષાન્ત પરેડનું સલામી નિરીક્ષણ કર્યા બાદ પોલીસ સેવામાં આજથી પદાર્પણ કરતા આ લોકરક્ષકોને ગુજરાતના સમાજ જીવનની સુરક્ષાનું ઉત્તર દાયિત્વ નિભાવવા અને “પોલીસ પ્રજાનો મિત્ર’’નો સંકલ્પ આત્મસાત કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ સેવાઓમાં સુરક્ષાની જવાબદારીઓ દિવસ-રાત જાનનું જોખમ, તનાવ અને વિપરીત સ્થિતિઓનો સામનો કરવા સહિતના અનેક પડકારો ઝીલવામાં પોલીસ અધિકારીઓની દૃષ્ટિ સમક્ષ સામાન્ય માનવીની સુરક્ષાના શપથ કેન્દ્રસ્થાને રહે તેની પ્રેરક સમજ આપી હતી. શિસ્તબદ્ધ ચૂસ્તી સ્ફૂર્તિથી ૪૦ જેટલી, લોકરક્ષક પ્લેટુનોએ આજે દિક્ષાન્ત પરેડમાં પોતાનું કૌવત અને સુરક્ષા સેનાઓની કારકિર્દીની શાન પ્રદર્શિત કરી તેની પ્રશંસા કરતા આચાર્ય અનારવાલાએ જણાવ્યું હતું કે, નવપ્રશિક્ષિત આ મહિલા પોલીસ કર્મચારીઓ ગુજરાત પોલીસદળની નવી તાકાત અને ઊર્જા પૂરી પાડશે. આ તકે અતિથી વિશેષ પદે ઉપસ્થિત જૂનાગઢ રેન્જના આઇજીપી ડૉ. એસ.પી. રાજકુમારે જણાવ્યું હતુંુ કે, રાજ્યમાં પોલીસ સેવાઓની તમામ ભરતીમાં સંપૂર્ણ પારદર્શી પદ્ધતિ અપનાવવામાં આવે છે. એનાથી વ્યવસાયી સેવા-કારકિર્દી માટે પરિશ્રમ કરનારાના સપના સાકાર થઇ રહ્યા છે. તેનો ખાસ ઉલ્લેખ કરીને જ્યારે પ્રજાની સેવા કરવાનો આ અવસર ગુણવત્તા અને પરિશ્રમને આધારે જ મળે છે ત્યારે નિમણૂક પછીની સેવાઓનું દાયિત્વ ઉત્તમ નિષ્ઠાથી નિભાવવું, એથી સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવી શકાય છે. નાયબ પોલીસ અધિક્ષક સી.એન. ચૈાધરી, એસ.એન. ગોહીલ અને પટેલે ગુજરાત જેવા વિકાસની હરણફાળ ગતિથી આગળ વધતા રાજ્યની સુરક્ષા અને સામાન્ય નાગરિકને સલામતીનો વિશ્વાસ આપવા પોતાના ખભે દાયિત્વ ઉપાડનારા આ લોકરક્ષક દળની તેમની કાર્યપ્રવૃત્તિમાં ગુનાહિત માનસિકતાના બદલાયેલા પ્રવાહો અને ટેકનોલોજીનો ગુનાઓમાં દુરૂપયોગ સામે પોતાની તાલીમ, જ્ઞાન, કૌશલ્યની કસોટીમાંથી પાર ઉતરવાનો પડકાર ઝીલવા અનુરોધ કરી જણાવ્યું હતું કે, તાલીમ દરમ્યાન ઈન્ડોરમાં કાયદા વિષયક જ્ઞાન તથા આઉટડોરમાં હથિયારોના પ્રશિક્ષણ સંબંધિત મેળવેલ તાલીમ તેમજ કોમ્પ્યુટર, સ્પોર્ટસ અને સાયબર ક્રાઈમ અંગે અપાયેલ પ્રેક્ટિકલ નોલેજનો ફરજના જિલ્લામાં તેમના કાર્યકાળ દરમિયાન ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું. પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢના આચાર્ય અને ડીઆઇજીપી એમ.એમ. અનારવાલાએ રાષ્ટ્રવીર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા તાલીમાર્થીઓને પુરસ્કાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ન્યાયધીશ ડી.ટી. સોની, જૂનાગઢના મેયર આદ્યાશક્તીબેન મજમુદાર, નાયબ માહિતી નિયામક રાજુ જાની, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પાસ આઉટ કરી રહેલા મહિલા પોલીસ લોકરક્ષકના પરિવારજનો સહિત બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પોલીસ ઈન્સપેક્ટર આર.બી. મકવાણા, કે.આર. ખેર, આર.જી. પરમાર, એસ.વી. સીમ્પી, એસ.બી. જાડેજા, પોલીસ સબ ઈન્સપેક્ટર સંદીપસિંહ પરમાર, જે.જે. ગરોધરા, આર.એ. સોલંકી, વી.એ. બ્લોચ, વી.એન. વીજાપરા, એ.જે. જોષી, એમ.એ. કોટડિયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડી.કે. ધડુક અને રસીક બગથરિયાએ સંભાળ્યું હતું.